મુંબઇઃ કેન્દ્રીય બજેટ બાદ સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો આવ્યો અને સેન્સેક્સ ફરી 50,000ની ઉપર જતો રહ્યો હતો જો કે તેની ઉપર બંધ રહેવામાં નિષ્ફળ રહ્યુ જેનું કારણ છે ઉંચા મથાળે રોકાણકારો દ્વારા નફા વસૂલી.
બેન્ચમાર્ક સેન્સેક્સ પાછલા 48,600ના ક્લોઝિંગ સામે આજે 2જી ફેબ્રુઆરી, મંગળવારના રોજ 49,193ના સ્તરે ખૂલીને ટ્રેડિંગના આરંભમાં ઇન્ટ્રા-ડે 1500 પોઇન્ટથી વધુ ઉછળીને 50,154ની ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો જો કે ઉંચા સ્તરે પ્રોફિટ બુકિંગ નીકળતા બજાર નીચે આવ્યુ હતુ અને દિવસ દરમિયાન સેન્સેક્સ 49900ની નીચે જ રહ્યુ હતુ. સેશનના અંતે સેન્સેક્સ 49,797ના સ્તરે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, 21મી જાન્યુઆરીના રોજ સેન્સેક્સે પ્રથમવાર 50,000ની ઐતિહાસિક સપાટી કુદાવીને 50,184ની રેકોર્ડ હાઇ ટોચ બનાવી છે.
તેવી જ રીતે બેન્ચમાર્ક નિફ્ટી પણ 14,481 ખુલ્યા બાદ ઉપરમાં 14,731 ક્વોટ થયો હતો. સેશનના અંતે 366 પોઇન્ટના સુધારામાં 14647 બંધ થયો હતો. આમ બે દિવસમાં સેન્સેક્સ 3511 પોઇન્ટ અને નિફ્ટી 1012 પોઇન્ટ ઉછળ્યા છે.
રોકાણકારોએ શેરબજારમાં કરી જંગી કમાણી
બુલરનથી શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ છે. આજે મંગળવારે પણ શેરબજાર વધ્યુ અને તેની રેકોર્ડ હાઇથી થોડુક જ દૂર રહ્યુ છે. આજે બીએસઇની માર્કેટકેપ 4.19 લાખ કરોડ રૂપિયા વધીને 196.65 લાખ કરોડ રૂપિયા થઇ છે. જ્યારે ગત સોમવારે માર્કેટકેપ 6.34 લાખ કરોડ રૂપિયા વધી હતી. આમ છેલ્લા બે દિવસમાં શેરબજારમાં રોકાણકારો 10.53 લાખ કરોડ રૂપિયા કમાયા છે.
આજે સેન્સેક્સના 30માંથી 27 બ્લુચિપ સ્ટોક વધ્યા હતા. તો નિફ્ટીના 50માંથી 43 બ્લુચિપ સ્ટોકમાં તેજી રહી હતી. આજે પણ બેન્કિંગ સેક્ટરના સ્ટોકમાં સૌથી વધારે તેજીનો માહોલ હતો.