તા. ૨૩ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને હટાવવા માટે હઠ પકડીને બેઠેલા વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાના મિજાજમાં દિલ્હીની મુલાકાત બાદ પણ ફરક જણાતો નથી. પ્રમુખ બદલવાની ખાનગીમાં માંગ કરતા બાપુ આ પ્રશ્ને હજુ પણ અડગ છે. બાપુની દિલ્હી મુલાકાતના આગલા દિવસે ગુજરાતના પ્રશ્ને સોનીયાજીને મળેલા તેમના રાજકીય સલાહકાર અહેમદભાઈ પટેલ સાથે બાપુએ લંબાણભરી ગોષ્ઠી કરી હતી પરંતુ વાત ખીલે બંધાઈ નહોતી.
કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ શંકરસિંહ બાપુને ટોચના અગ્રણીઓએ આવતીકાલનો શકિત પ્રદર્શન કાર્યક્રમ મુલત્વી રાખવાનું સમજાવ્યા પરંતુ બાપુ માન્યા નથી અને આવતીકાલે બપોરના ૩ વાગ્યે અંગત સમર્થકોનું શકિત પ્રદર્શન કોઈપણ ભોગે યોજવા મક્કમ છે.
કોંગી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હજુ વતન પરત ફર્યા નથી અને રાહુલ ગાંધીની ગેરહાજરીમાં બાપુની માંગણીઓ અંગે કોઈ આખરી નિર્ણય લઈ શકે તેમ ન હોવાનું પણ ચર્ચાય છે, ત્યારે રાહુલજીનું સ્વદેશાગમન સુધી ગુજરાત કોંગ્રેસનું કોકડુ ઉકેલાય તેવી કોઈ આશા નજરે પડતી નથી.
બાપુ શકિત પ્રદર્શન યોજવા મક્કમ જ છે ત્યારે બાપુના સમર્થકોમાં પણ શકિત પ્રદર્શનના કારણે ઉત્તેજના જોવા મળી રહી છે.
કોંગી વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ શંકરસિંહજી વાઘેલા અને અહેમદભાઈ પટેલ વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે તથા બાપુની નારાજગી અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. અહેમદભાઈ એ પણ કોંગ્રેસ અધ્યક્ષાની લાગણી બાપુને વર્ણવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, બાપુ પૂર્વ નિર્ધારીત દિલ્હી કાર્યક્રમને અનુલક્ષીને ગયા હતા અને અહેમદભાઈને મળ્યા હતા. આ મુલાકાત પહેલા જ બાપુની માગણી અને લાગણીને અનુલક્ષીને અહેમદભાઈ પટેલ સોનીયાજીને મળ્યા હતા અને વિગતો વર્ણવી હતી.
અહેમદભાઈ પટેલ અને શંકરસિંહજી વાઘેલા વચ્ચેની બેઠક સમયે પણ અહેમદભાઈ પટેલ બાપુને ૨૪મીએ બપોરના સમર્થકો સાથેના શકિત પ્રદર્શનને મુલત્વી રાખવા અનુરોધ કર્યો હતો પરંતુ દિલ્હીથી પરત ફરેલા બાપુએ શકિત પ્રદર્શન યોજાશે જ તેમ અંગત વર્તુળોમાં જણાવ્યાનું ચર્ચાય છે.
પ્રદેશ પ્રમુખ પદેથી ભરતસિંહ સોલંકીને હટાવવા માટેની હઠ ખાનગીમાં લઈને બેઠેલા મનાતા બાપુ આ અંગે અડગ જ છે. જો માંગ અંગે ન વિચારાય તો બાપુ નિષ્ક્રીય થઈ જશે તે નિશ્ચિત હોવાનું મનાય છે.
કોંગ્રેસ હાઈકમાન્ડ પણ બાપુ માટે આદર ધરાવે છે અને ચૂંટણીમાં મહત્વની જવાબદારીઓ સોંપવા માંગે છે. તેવી લાગણી પણ બાપુ સુધી પહોંચાડયાનું પણ જાણવા મળે છે પરંતુ બાપુ ભરતસિંહને હટાવવા માટે અડગ છે અને તે બાબતે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નહી હોવાનું મનાય છે.
દરમ્યાન રાજકોટ શહેર અને જીલ્લામાંથી પ્રદેશ કોંગી અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, લલીતભાઈ કગથરા, નિતીનભાઈ નથવાણી, બિપીન રાવલ સહિતનો કાફલો શકિત પ્રદર્શનમાં ભાગ લેવા ઉત્સાહીત હોવાનું જાણવા મળે છે.(૨-૧૮)
કોંગી આગેવાનો બાપુની વાતને સમર્થન આપી નિષ્ક્રીય ન થવા પણ વિનવશે
પ્રદીપ દવે, ડો. જીતુ પટેલ, જયરાજસિંહ વિગેરે સભ્ય વિગતો વર્ણવશે
રાજકોટ, તા. ૨૩ :. આવતીકાલે બાપુએ યોજેલા શકિત પ્રદર્શનમાં બાપુના અંગત સમર્થકો ઉપરાંત તટસ્થ કોંગી આગેવાનો પણ સંમેલનમાં જઈ બાપુની વાત સત્ય હોવાનું કહી સમર્થન આપશે અને બાપુને નિષ્ક્રીય ન થવા સમજાવશે તેમ પ્રદેશ કાર્યાલયની લોબીમાં ચર્ચાતુ હતુ.ચર્ચાતી વિગતો મુજબ પ્રદેશ કોંગી અગ્રણીઓ સર્વશ્રી પ્રદીપ દવે, પ્રદેશ ઉપપ્રમુખ ડો. જીતુ પટેલ, પૂર્વ પ્રવકતા જયરાજસિંહ પરમાર સહિતના આગેવાનો પણ આવતીકાલે શકિત પ્રદર્શન કાર્યક્રમમાં જશે અને બાપુની માંગને સમર્થન આપશે પરંતુ કોેંગ્રેસ પાર્ટીના હીતમાં નિષ્ક્રીય થવાના બદલ ભાજપ સામે તમે જ લડી શકો તેમ કહી વધુ જોશથી સક્રીય થવા બાપુને વિનંતી કરશે. ઉપરાંત કોંગી આગેવાનો તડ ને ફડ કરવા માટે જાણીતા છે ત્યારે આ વખતે કોેંગ્રેસ માટે વાતાવરણ સારૂ છે. બાપુની વાતોમાં સત્યતા છે અને બાપુ જ ભાજપ સામે મક્કમતાથી લડી શકે તેમ જણાવી બાપુને નિષ્ક્રીયતાનો વિચાર પડતો મુકવા જણાવશે.(૨-૨૦)
દિલ્હી મુલાકાત નિરસ બાપુની દાળ ગળી નહીં ?
રાજકોટ, તા. ૨૩ :. શંકરસિંહજી વાઘેલાએ ૨૪મીએ શકિત પ્રદર્શન યોજ્યુ હતું ત્યારે ૨૨મીએ દિલ્હીની મુલાકાતે જઈને અહેમદભાઈ પટેલને મળીને પરત આવેલા બાપુના ચહેરા ઉપરથી પોતાની માંગ અંગે દાળ ગળી નહી હોવાનું વર્તાતુ હોવાનું કોંગી વર્તુળોમાં ચર્ચાય છે જો કે બાપુ પણ ભરતસિંહને હટાવવા બાબતે મક્કમ હોવાનું કહી દીધાનું ચર્ચાય છે.
કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ બાપુની માંગ અંગે સોનીયાજી સમક્ષ વાત મુકી શકાય પરંતુ કોંગી યુવરાજ અને ગુજરાતનો સંપૂર્ણ હવાલો પોતાના સમક્ષ લઈ લેનાર રાહુલ ગાંધીના ગળે ઘુંટડો ઉતારવો સીનીયર કોંગ્રેસીઓ માટે પણ લોઢાના ચણા ચાવવા સમાન હોવાનું ચર્ચાય છે રાહુલ પરત ન ફરે ત્યાં સુધી કોંગી મોવડી મંડળ કોઈ નિર્ણય કરી શકે તેમ ન હોવાનું મનાય છે.