[highlight]મોદીની સલાહનો ઉલાળીયોઃ સાંસદો ગેરહાજર રહેતા વિપક્ષનું એક સંશોધન પાસ થઇ ગયુઃ વોટીંગ દરમિયાન સરકારનો પરાજયઃ સરકારની આબરૂનું ધોવાણઃ મોદી-શાહ લાલઘુમઃ ગેરહાજર સાંસદોની યાદી મંગાવી.[/highlight]
નવી દિલ્હી તા.૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વખત ભાજપના સાંસદોને સંસદની કાર્યવાહી દરમિયાન ગૃહમાં હાજર રહેવા સલાહ આપી છે પરંતુ લાગે છે કે ભાજપના સાંસદો ઉપર તેની કોઇ અસર થઇ નથી. ગેરહાજર રહેવાની ભાજપના સાંસદોની ટેવને કારણે ગઇકાલે ગૃહમાં સરકારની આબરૂનું ધોવાણ થયુ હતુ. રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવાને લગતુ સંવિધાન સંશોધન વિધેયક સંસદમાં પાસ તો થયુ પરંતુ વિપક્ષનું એક સંશોધન મંજુર થઇ ગયુ. આવુ એનડીએના સાંસદોની ગેરહાજરીને કારણે થયુ. જાણવા મળે છે કે આ ઘટનાક્રમથી પીએમ મોદી અત્યંત નારાજ છે. જો કે આ બંધારણ સંશોધન બીલ છે એવામાં સંશોધિત બીલને લોકસભાથી ફરીથી પાસ કરાવવુ પડશે ત્યાં તે પાસ થયા બાદ ફરી રાજયસભામાં આવશે.
એક સપ્તાહ પહેલા જ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે ભાજપના સાંસદો સાથેની બેઠકમાં તેઓને સંસદના ચોમાસુ સત્રમાં સંપુર્ણપણે હાજરી આપવા કહ્યુ હતુ પરંતુ ગઇકાલે મોદી સરકારને એ સમયે અસહજ સ્થિતિનો સામનો કરવો પડયો કે જયારે રાજયસભામાં સરકારના બંધારણ સંશોધન વિધેયકની એક મહત્વની જોગવાઇને હટાવી પડી કારણ કે તેની પાસે પુરતી સંખ્યામાં સાંસદો હાજર રહ્યા ન હતા.
બંધારણીય સંશોધન (૧ર૩મું સંશોધન) વિધેયક ર૦૧૭માં કલોઝ-૩ને હટાવવુ પડયુ જે કમીશનના સંગઠન સાથે જોડાયેલુ હતુ. રાજયસભામાં આ કલોઝ અસ્વીકાર થવાનો મતલબ એ થયો કે સરકારે ફરીથી લોકસભામાં આ માટે નવો ખરડો રજુ કરી પાસ કરાવવો પડશે અને પછી તે રાજયસભામાં પસાર કરવો પડશે. ગઇકાલે રાજયસભામાં દિગ્વિજયસિંહ, બી.કે.હરિપ્રસાદ વગેરેએ સરકારના ખરડામાં અનેક સંશોધનો રજુ કર્યા હતા. કોઇ સામાન્ય ખરડા બહુમતીથી પસાર થઇ જાય છે પરંતુ આ બંધારણીય વિધેયક હતુ તેથી તેને પાસ કરાવવા બે તૃતીયાંશ મતો જોઇતા હતા.
આ ખરડો સામાજીક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતે રજુ કર્યો હતો. તેમણે આ ખરડાનો હેતુ અને કારણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, આ ખરડા થકી દેશમાં પછાતવર્ગોના હિતોને યોગ્ય રીતે સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગ અને રાષ્ટ્રીય જનજાતિ આયોગની જેમ પછાતવર્ગ આયોગને પણ બંધારણીય દરજ્જો આપી શકાશે. આ બીલ પાસ કરાવતી વખતે કોંગ્રેસના સાંસદોના સંશોધન પાસ થઇ ગયા. એક કલાક સુધી ચર્ચા ચાલી હતી અને તે પછી સરકાર સંશોધિત બીલને પાસ કરાવવા આખરે તૈયાર થઇ હતી. આ ખરડો આવ્યો ત્યારે ગૃહમાં માત્ર ૧ર૬ સભ્યો ઉપસ્થિત હતા. આનાથી ભાજપ અને સરકારની આબરૂનું ધોવાણ થયુ હતુ. વિપક્ષે સરકાર પર આ બીલને હળવાશમાં લેવાનો આરોપ મુકયો હતો.
ઓબીસી આયોગની ચર્ચા દરમિયાન ખરાબ ફલોર મેનેજમેન્ટ અને અનેક સભ્યોની ગેરહાજરીને કારણે મોદી અને અમિત શાહ ઘણા નારાજ છે તેઓએ એનડીએના એ સાંસદોની યાદી મંગાવી છે જેઓ ગેરહાજર હતા. સરકારના સભ્યોની ગેરહાજરીને કારણે વિપક્ષ પોતાના સંશોધન પાસ કરાવવામાં સફળ રહ્યુ. ગઇકાલે ધર્મેન્દ્ર પ્રધાન, વિજય ગોયલ, પિયુષ ગોયલ, એમ.જે.અકબર, નિર્મલા સીતારામન, રવિશંકર પ્રસાદ સહિત અનેક પ્રધાનો હાજર ન હતા. વોટીંગ દરમિયાન એનડીએના અનેક સાંસદો અને પ્રધાનો હાજર ન હતા. વોટીંગ દરમિયાન એનડીએના સાંસદોની ગેરહાજરીને કારણે સરકાર હારી ગઇ અને વિપક્ષનું એક સંશોધન પાસ થઇ ગયુ.