મુંબઇઃ કોરોના કટોકટીને પગલે વર્ષ 2020માં પીળી કિંમતી ધાતુ સોનાની માંગમાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને વિશ્વની ઘણી મધ્યસ્થ બેન્કોએ તેમના ગોલ્ડ રિઝર્વ માટે સોનાની ખરીદી ઘટાડી છે તો કેટલાંકે પોતાની પાસે રહેલા સોનાનું વેચાણ પણ કર્યુ છે. આ સંકટ કાળમાં પણ ભારતના ગોલ્ડ રિઝર્વમાં સતત વધારો થયો છે. વર્ષ 2020માં ભારતની મધ્યસ્થ બેન્ક RBIએ સોનાની ચોખ્ખી ખરીદી કરી છે અને આ સાથે સતત ત્રીજા વર્ષે ભારતની મધ્યસ્થ બેન્ક સોનાની ચોખ્ખી ખરીદદાર રહી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ કેલેન્ડર વર્ષ 2020માં ભારતની મધ્યસ્થ બેન્ક RBIએ 38 ટન સોનાની ચોખ્ખી ખરીદી કરી છે. આ સાથે સતત ત્રીજા વર્ષે RBIએ સોનાની ચોખ્ખી ખરીદી કરી છે. ભારત વર્ષ 2018થી સતત સોનાની ખરીદી કરી પોતાના સુવર્ણ ભંડાળમાં સતત વધારો કરી રહ્યુ છે. વર્ષ 2020માં સૌથી વધુ સોનાની ખરીદી કરનાર વિશ્વની મધ્યસ્થ બેન્કોમાં ભારતની RBI બીજા ક્રમે છે. પ્રથમક્રમે તુર્કી છે અને સત્તાવાર રીતે 134.5 ટન સોનું ખરીદયુ છે. તુર્કીએ ગત વર્ષ 2020 દરમિયાન ભલે ચોખ્ખી રીતે સૌથી વધુ સોનું ખરીદયુ હોય તેમ છતાં પાછલા વર્ષના પ્રથમ છ મહિનામાં તે સૌથી મોટો સોનાનો વેચવાલ દેશ છે અને સપ્ટેમ્બર તેમજ સપ્ટેમ્બરમાં સોનાનુ વેચાણ કરતા તેનું ગોલ્ડ રિઝર્વ 36.3 ટન ઘટ્યુ છે.
વર્ષ 2020માં દુનિયાની તમામ મધ્યસ્થ બેંકોની સોનાની ખરીદી 59 ટકા ઘટી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ કેલેન્ડર વર્ષ 2020 દરમિયાન વિશ્વની તમામ મધ્યસ્થ બેન્કોએ 272.9 ટન સોનાની ખરીદી કરી છે જ્યારે કેલેન્ડર વર્ષ 2019માં 669.5 ટન સોનું ખરીદ્યુ હતુ. આ સાથે સતત 11માં વર્ષ જેમાં મધ્યસ્થ બેન્કો સોનાની ચોખ્ખી ખરીદી કરી છે જો કે તે છેલ્લા એક દાયકાની સૌથી ઓછી ખરીદી છે.
તો ડિસેમ્બર ક્વાર્ટરમાં દુનિયાભરની મધ્યસ્થ બેન્કોએ 44.8 ટન સોનાની ચોખ્ખી ખરીદી કરી છે જે વાર્ષિક તુલનાએ 68 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ સાથે કેલેન્ડર વર્ષ 2020માં સાત દેશોની મધ્યસ્થ બેન્કોએ પોતાના ગોલ્ડ રિઝર્વ એટલે કે સુવર્ણ ભંડારમાં ઘટાડો કર્યો છે.