દેશના વિકાસને સમજવા માટે ચાણક્યનું એક વિધાન અત્યંત વાજબી રીતે યાદ આવી રહ્યું છે. ચાણક્યએ કહ્યું છે કે ‘જે રાષ્ટ્ર કે રાજ્યના નાગરિકોની માંગ ઓછી હોય એ રાષ્ટ્ર અને રાજ્ય વિકાસની તરફ હરણફાળ ભરે છે.’ ચાણક્યના આ વિધાનને સૌકોઈએ સમજવાની જરૂર છે. સૌકોઈએ એ વાતને નોંધવાની જરૂર છે કે જે વાત થઈ છે એ માંગના દૃષ્ટિકોણથી થઈ છે અને માંગ ઓછી થાય કે પછી માંગનું પ્રમાણ ઘટે એ વિકાસ માટે અત્યંત આવશ્યક છે.
રાષ્ટ્રમાંથી જ્યારે માંગનો ઘટાડો થાય ત્યારે સમજવું કે પ્રજા સંતુષ્ટ છે અને જ્યારે માંગ કે વિના કારણની માંગનું પ્રમાણ વધી જાય ત્યારે માનવું કે પ્રજાને અંસતુષ્ટ કરવામાં આવી રહી છે. આંતરિક માંગોનો અંત આવવો જરૂરી છે. ખાસ કરીને ભારતવર્ષ માટે આ આવશ્યક છે. જો આંતરિક માંગનો અંત નહીં આવે તો વૈશ્વિક વિકાસને પ્રાપ્ત કરવાની દોટમાં ક્યાંક ને ક્યાંક નડતર આવ્યા કરશે. સીધો હિસાબ અને સીધી વાત છે.
સરકારી તંત્ર મર્યાદિત સાધન, સૂત્રો સ્તોત્ર સાથે ક્યાં-ક્યાં પહોંચે અને કેવી રીતે પહોંચે? વહીવટી તંત્રને પણ કોઈ ને કોઈ જગ્યાએ મર્યાદા નડવાની જ છે અને એ નડતી પણ હોય છે. જરૂરી નથી કે દરેક તબક્કે વહીવટી તંત્રના અવગુણોને આંખ સામે રાખીને જ મુદ્દા ચર્ચવામાં આવે. કેટલીક વખત નાગરિકે પોતાની જવાબદારીઓને પણ સમજવી જોઈએ તો જવાબદારીઓને સમજવાની સાથોસાથ સમય આવ્યે નાગરિકોએ પોતાની એકધારી ચાલી રહેતી માંગની સામે પણ જોવું જોઈએ.
માંગ સામે જ્યારે જોવામાં આવતું હોય છે ત્યારે કેટલીક વખતે એવું પણ બને છે કે દસમાંથી બે માંગ પોતાની ખોટી છે એવું વ્યક્તિને પોતાને જ સમજાઈ જતું હોય છે. બહુ જરૂરી છે કે કોઈ પણ જાતની માંગ કરતાં પહેલાં માંગ સાથે જોડાયેલા સારાં અને નરસાં પરિણામો પણ જોઈ લેવાં જોઈએ અને એ માંગ માંટે પોતે કેટલો યોગ્ય છે એ પણ જોવું જોઈએ. અનામત માંગવાથી કે પછી સરકારી નોકરીની ડિમાન્ડ કરવાથી ભલું કદાચ પાંચ ટકા લોકોનું થતું હોય છે, પણ એ ભલાઈને કારણે દેશના માથા પર 95 ટકા બોજ પણ આવી જતો હોય છે.
આ સમજદારીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હવે આપણે નાના નથી રહ્યા. 70 વર્ષની બુદ્ધિ સ્વતંત્રતા આપણા નામે લખાયેલી છે અને એક રાષ્ટ્રની સાડાસાત દાયકાથી પણ વધારેની બૌદ્ધિક સ્વતંત્રતા પાકટ સ્તરે તો જોવી જ જોઈએ. કોરોનાને એક નવી શરૂઆતની દિશાનું માઇલસ્ટોન બનાવીને પણ જોઈ શકીએ છીએ. જો એક વખત એ દિશામાં આગળ વધવાનું શરૂ કરીશું, એક વખત જો વિકાસના માર્ગને વાજબી રીતે જોવાનું શરૂ કરીશું તો જ દેશ આગળ વધશે. પહેલાં જેવી તેજીની ચાલે ચાલશે પણ એને માટે માંગની માનસિકતા છોડવી પડશે. જો એ આવશે તો જ દેશની વિકાસની ગાડી નવેસરથી પાટે ચડશે.