મુંબઇઃ કોરોના સંકટમાં સોનાના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે જો કે કિંમતો અતિશય વધી જવાને લીધે તેની માંગમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) કેલેન્ડર વર્ષ 2020 દરમિયાન ભારતમાં સોનાની માંગ ધરખમ 35 ટકા ઘટીને 446 ટન નોંધાઇ છે જે છેલ્લાં 26 વર્ષની સૌથી ઓછી માંગ છે અને વર્ષ 1995માં ગોલ્ડ ડિમાન્ડ 462 ટન હતી. તો ગત વર્ષ 2019માં ભારતમાં સોનાની માંગ 690.4 ટન હતી.
જથ્થાની રીતે સોનાની માંગ ધરખમ ઘટી છે જો કે મૂલ્યની રીતે તેના કરતા અડધા ઘટાડો થયો છે. વર્ષ 2020માં 1,88,280 કરોડ રૂપિયાની મૂલ્યના સોનાની આયાત થઇ છે જે વર્ષ 2019ના 2,17,770 કરોડ રૂપિયાની તુલનાએ ઇમ્પોર્ટ વેલ્યૂમાં 14 ટકાનો ઘટાડો દર્શાવે છે. અમેરિકન ડોલરના મૂલ્યની રીતે ભારતમાં સોનાની આયાત 18 ટકા ઘટી છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2020મા સોનાના ભાવમાં 40 ટકાનો ઉછાળો આવ્યો અને ભાવ ઉછળીને 56,000 રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા.
કેલેન્ડર વર્ષ 2020માં સોનાના દાગીનાની માંગ 42 ટકા ઘટીને 315.9 ટન રહી જે વર્ષ 2019માં 544.6 ટન હતી. તો મૂલ્યની રીતે ગોલ્ડ જ્વેલરીની માંગ વર્ષ 2020માં 1,33,260 કરોડ રૂપિયા રહી જે વર્ષ 2019ની તુલનાએ 22 ટકાનો ઘટાડો દર્શાવે છે.
જો કે લગ્નસરાની માંગ નીકળતા સોનાની ખરીદીને થોડોક ટેકો મળ્યો છે અને ડિસેમ્બર ક્વાર્ટર 2020માં માંગ વધી છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં સોનાના દાગીનાની માંગ વધીને 137.3 ટન રહી છે જે સોનાની માંગની દ્રષ્ટિએ વર્ષ 2020નો સૌથી મજબૂત ક્વાર્ટર છે. આ ત્રિમાસિકગાળામાં સોનાની ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ 8 ટકા વધીને 48.9 ટન નોંધાઇ છે.
ભારતમાં ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન સોનાની કુલ માંગ 186.2 ટન થઇ છે જે વર્ષ 2019ના ડિસેમ્બર ક્વાર્ટરના 194.3 ટનની તુલનાએ માત્ર 4 ટકા જ ઓછી છે. જો કે મૂલ્યની રીતે વાર્ષિક સરખામણીએ સોનાની માંગ ડિસેમ્બર ક્વાર્ટરમાં 26 ટકા વધીને 82,790 કરોડ રૂપિયા નોંધાઇ છે, જે ઉંચા ભાવને આભારી છે.