નવી દિલ્હીઃ કોરોના મહામારી અને આર્થિક મંદીનો સામનો કરી રહેલા ભારતીય અર્થતંત્ર માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં માસિક જીએસટી ક્લેક્શન ફરી વાર 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયુ છે. આજે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ફેબ્રુઆરી 2021ના મહિનામાં 1,13,143 લાખ કરોડ રૂપિયાનું જીએસટી ક્લેક્શન નોંધાયુ છે. આ સાથે જીએસટી ક્લેક્શન સળંગ પાંચમાં મહિને 1 લાખ કરોડ રૂપિયા અને સળંગ ત્રીજા મહિને 1.1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયુ છે. જે દેશમાં આર્થિક ગતિવિધિઓ વધતા અર્થતંત્ર વિકાસના પંથ પર હોવાના મજબૂત સંકેત આપે છે.
નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ફેબ્રુઆરી 2021માં કુલ GST ક્લેક્શન વધીને 1.13 લાખ કરોડ રૂપિયા નોંધાયુ છે જે વાર્ષિક તુલનાએ આવકમાં 7 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ ફેબ્રુઆરી મહિનામાં કુલ 1.13 લાખ કરોડ રૂપિયાનું GST ક્લેક્શન થયુ છે. જેમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) પેટે 21,092 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) હેઠળ 27,273 કરોડ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસટી) હેઠળ 55,252 કરોડ રૂપિયાની આવક થઇ છે. તો વિવિધ સેશ મારફતે 9525 કરોડ રૂપિયા અને ગુડ્સ ઇમ્પોર્ટ હેઠળ 660 કરોડ રૂપિયાની કર વસૂલાત કરવામાં આવી છે.
મંત્રાલયે જણાવ્યુ કે, જીએસટી ક્લેક્શનના આંકડાઓ ભારતીય અર્થતંત્રમાં રિકવરીના સ્પષ્ટ સંકેત આપે છે અને નિયમોનું વ્યાપક પાલન કરવા માટે કર વિભાગ દ્વારા લેવાયેલા વિવિધ પગલાંઓની અસરો પણ દર્શાવે છે. તે ઉપરાંત સરકારે નિયમિત સેટલમેન્ટ હેઠળ ફેબ્રુઆરીમાં આઇજીએસટીમાંથી 22,398 કરોડના સીજીએસટી, 17,543 કરોડ રૂપિયાના એસજીએસટીની પતાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, આ સાથે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત સરકારેને જીએસટી વળતર-ઘટની ક્ષતિપૂર્તિ માટે 4,000 કરોડ રૂપિયાનો આઠમો હપ્તો જારી કર્યો છે. આ સાથે અત્યાર સુધીમાં 1.04 કરોડ રૂપિયાનું જીએસટી વળતર ચૂકવવામાં આવ્યુ છે.
GST ક્લેક્શન | |
મહિનો | રકમ |
ફેબ્રુઆરી-2021 | 1,13,143 |
જાન્યુઆરી-2021 | 1,19,847 |
ડિસેમ્બર-2020 | 1,15,174 |
નવેમ્બર-2020 | 1,04,963 |
ઓક્ટોબર-2020 | 1,05,155 |
(આંકડા કરોડ રૂપિયામાં) |