બંને દેશો અને ખાસ કરીને બંને સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે ભારતીય સેનાએ બાંગ્લાદેશ આર્મીને 20 સંપૂર્ણ તાલીમ બદ્ધ લશ્કરી ઘોડાઓ અને 10 લેન્ડમાઇન ડિટેક્શન ડોગ્સ ની ભેટ આપી હતી. આ ઘોડાઓ અને કૂતરાઓને ભારતીય સેનાની રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોર્પ્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. ભારતીય સેનાએ બાંગ્લાદેશ આર્મીના જવાનોને આ નિષ્ણાત કૂતરાઓ અને ઘોડાઓને તાલીમ આપવા અને સંભાળવાની તાલીમ પણ આપી છે.
ભારતીય સેનાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ બ્રહ્માસ્ત્ર કોર્પ્સના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ નરેન્દ્રસિંહ ખારુડે કર્યું હતું, જ્યારે બાંગ્લાદેશ આર્મીના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મેજર જનરલ મોહમ્મદ હુમાયુ કબીરે કર્યું હતું, જેઓ જેસોરમાં ડિવિઝનનો કમાન સંભાળી રહ્યા છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રાપોલ-બેનાપોલ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP)માં આ સોંપણી સમારોહ યોજાયો હતો. ઢાકામાં આયોજિત કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનના બ્રિગેડિયર જે એસ ચીમા પણ હાજર હતા.