વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું અને શિલોંગ, પુણે અને નાગપુરમાં CBIના નવા બનેલા કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે નવી ઓફિસોના ઉદ્ઘાટનથી સીબીઆઈને કામકાજમાં વધુ મદદ મળશે. CBI તપાસની માગણી માટે આંદોલનો પણ થાય છે, લોકો મામલો CBIને સોંપવાનું કહે છે. ન્યાયની બ્રાન્ડ તરીકે સીબીઆઈનું નામ દરેકના હોઠ પર છે. જેમણે પણ સીબીઆઈમાં યોગદાન આપ્યું છે તે અભિનંદનને પાત્ર છે.
ભ્રષ્ટાચારથી મુક્તિ સીબીઆઈની મુખ્ય જવાબદારી
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સીબીઆઈએ 60 વર્ષની સફર પૂર્ણ કરી છે. જનતાનો વિશ્વાસ જીતવો સરળ નથી. પીએમએ કહ્યું કે સીબીઆઈમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. તેમણે કહ્યું કે CBIની મુખ્ય જવાબદારી ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવાની છે. પીએમએ કહ્યું કે ભ્રષ્ટાચાર લોકશાહી અને ન્યાય વચ્ચે સૌથી મોટો અવરોધ છે. ભ્રષ્ટાચાર લોકશાહીને ખીલવા દેતો નથી. ભ્રષ્ટાચાર અનેક ગુનાઓને જન્મ આપે છે. યુવાનોના સપના ભ્રષ્ટાચારની બલિ ચઢે છે.
“ભારત સીબીઆઈ જેવી સંસ્થાઓ વગર આગળ વધી શકતું નથી”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સીબીઆઈ જેવી વ્યાવસાયિક અને કાર્યક્ષમ સંસ્થાઓ વિના ભારત આગળ વધી શકે તેમ નથી. બેંક ફ્રોડથી લઈને વાઈલ્ડ લાઈફ સ્કેમ્સ સુધી સીબીઆઈનું કાર્યક્ષેત્ર અનેકગણું વધી ગયું છે પરંતુ સીબીઆઈની મુખ્ય જવાબદારી દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની છે. પીએમ મોદીએ કહ્યું કે તમારે (સીબીઆઈ) ક્યાંય પણ અટકવાની જરૂર નથી. હું જાણું છું કે તમે જેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છો તેઓ ખૂબ જ શક્તિશાળી લોકો છે, તેઓ વર્ષોથી સરકાર અને સિસ્ટમનો હિસ્સો રહ્યા છે. આજે પણ તેઓ ઘણી જગ્યાએ અમુક રાજ્યમાં સત્તાનો હિસ્સો છે પરંતુ તમારે તમારા કામ પર ધ્યાન આપવાનું છે, કોઈપણ ભ્રષ્ટાચારીને બક્ષવામાં ન આવે.
“10 વર્ષ પહેલા ભ્રષ્ટાચારની સ્પર્ધા હતી”
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે 10 વર્ષ પહેલા મહત્તમ ભ્રષ્ટાચાર કરવાની સ્પર્ધા હતી. તે દરમિયાન મોટા કૌભાંડો થયા પણ આરોપીઓ ગભરાયા નહીં કારણ કે તંત્ર તેમની સાથે ઉભું હતું. 2014 પછી અમે ભ્રષ્ટાચાર, કાળા નાણા વિરુદ્ધ મિશન મોડમાં કામ કર્યું.