નવી દિલ્હી: કેન્દ્રના પ્રધાનમંડળે મધ્યમ-કદની તેમ જ મોટી કાર અને એસયુવી પરના હાલના ૧૫ ટકા જીએસટી સૅસમાં વધારો કરવાની જોગવાઇ ધરાવતા વટહુકમને બુધવારે મંજૂરી આપી હતી. આ સાથે હવે તેમના પર પચીસ ટકા જીએસટી લાગશે.
કૅબિનૅટ સમક્ષ કાર પરના અપ્રત્યક્ષ કરવેરાના સૅસમાં વધારો કરીને પચીસ ટકા કરવાની દરખાસ્ત હતી.
કેન્દ્રના પ્રધાનમંડળની બેઠક બાદ સૂત્રોએ જણાવ્યું હતું કે કાર પર ઊંચો કરવેરો લાદવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી.
જીએસટી કાઉન્સિલે પહેલી જુલાઇએ જીએસટીના અમલથી સસ્તી થયેલી એસયુવી, મધ્યમ-કદ, મોટા-કદ અને લક્ઝરી કાર પરના કરવેરામાં વધારો કરવાની દરખાસ્તને પાંચમી ઑગસ્ટે મંજૂરી આપી હતી.
અપ્રત્યક્ષ વેરામાં સુધારા કરવા માટે જીએસટી (કૉમ્પેન્સેશન ટૂ ઍ સ્ટૅટ) ઍક્ટ, ૨૦૧૭ના પરિશિષ્ઠ ૮માં સુધારો કરવો જરૂરી છે.
જીએસટીના અમલની પહેલાં મૉટર વાહનો પર સૌથી વધુ કરવેરો અંદાજે બાવન ટકાથી ૫૪.૭૨ ટકા હતો અને તેમાં કેન્દ્રીય વેચાણવેરો, જકાત વગેરે મળીને અંદાજે અઢી ટકાનો ઉમેરો થતો હતો.
આમ છતાં, જીએસટીના અમલ પછી આ કરવેરાનો દર ઘટીને ૪૩ ટકા થયો હતો અને તેથી આ કરવેરો જીએસટીના અમલની પહેલાંના સ્તરે પહોંચાડવા માટે પચીસ ટકાનો સૌથી ઊંચો કૉમ્પેન્સેશન સૅસ રૅટ લાદવો જરૂરી હતો.
જીએસટીના અમલથી મોટા ભાગની એસયુવીનો ભાવ રૂપિયા ૧.૧ લાખથી રૂપિયા ૩ લાખ ઘટ્યો હતો. સૅસમાં વધારો કરવાથી કારના દર લગભગ જીએસટીના અમલની પહેલાંના દર જેટલા થઇ જશે.
કાર પર સૌથી વધુ ૨૮ ટકાનો દર લાગે છે અને રાજ્યનું કૉમ્પેન્સેશન કૉર્પ્સ ભેગું કરવા માટે તેના પર એકથી પંદર ટકાના કરવેરા લાદવાની જરૂરિયાત ઊભી થઇ હતી.
દરમિયાન, કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ કૅબિનૅટના નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું હતું કે મધ્યમ અને મોટા કદના વાહનોના કરવેરામાં વધારો કરવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા લેવાશે.
તેમણે જણાવ્યું હતું કે સરકારનો હેતુ કરવેરામાં ઘટાડો કરીને વૈભવી ચીજ-વસ્તુ સસ્તી કરવાનો નથી.
જેટલીએ વધુ સ્પષ્ટતા કરી હતી કે જે મૉટર વાહનની ડ્રાઇવર સાથેની ૧૩ વ્યક્તિ સુધીની ક્ષમતા હશે તેઓ પર જ કરવેરામાંનો વધારો લાગુ પડશે. (પીટીઆઈ)