દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે કોર્ટે CBI દ્વારા નોંધાયેલા કેસમાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. માહિતી મુજબ, હવે મનીષ સિસોદિયા નીચલી કોર્ટના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરશે.
દિલ્હીની નવી લિકર પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપમાં લાંબી પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તિહાર જેલમાં લાંબા સમય સુધી તેમની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ બાદ EDએ તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં પણ સિસોદિયાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી.
જાણો, કોર્ટે શું કહ્યું?
મીડિયા અહેવાલ મુજબ, વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલે 24 માર્ચે જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. જામીન અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે, જો મનીષ સિસોદિયાને હવે જામીન આપવામાં આવે તો તે તપાસને પ્રભાવિત કરી શકે છે અને પુરાવા સાથે ચેડાં કરી શકે છે. કોર્ટે કહ્યું કે, મનીષ સિસોદિયા પર ગંભીર આરોપો છે. કોર્ટે કહ્યું કે, સિસોદિયાની ભૂમિકા અંગેની તપાસ હજુ પૂરી થવાની બાકી છે, આવી સ્થિતિમાં સિસોદિયાને આ તબક્કે જામીન પર છોડી શકાય નહીં.
કોર્ટે કહ્યું કે, આ કેસમાં સહઆરોપીઓ સામે હજુ પણ તપાસ ચાલી રહી છે. કોર્ટે કહ્યું કે, આ કેસમાં માત્ર 7 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, અન્ય આરોપીઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. આર્થિક ગુનાના મૂળ ઊંડા છે. કોર્ટે કહ્યું કે, સિસોદિયાની પત્નીની બીમારી અંગે બચાવ પક્ષે દલીલ કરી હતી કે તે 20 વર્ષથી બીમાર છે, જ્યારે મેડિકલ હિસ્ટ્રીના દસ્તાવેજો માત્ર 2022-23ના છે. આ સિવાય મેડિકલ ડોક્યુમેન્ટમાં એવું કહેવામાં આવ્યું નથી કે તેમની હાલત ખૂબ જ ગંભીર છે. જણાવી દઈએ કે ધરપકડ બાદ મનીષ સિસોદિયાએ દિલ્હીના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને આતિશીને દિલ્હીમાં શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે.