હરિયાણાના ગુરુગ્રામમાં જાહેર સ્થળો પર હવે નમાજ પઢી શકાશે નહીં. તેના માટે આદેશો પહેલાથી જ અપાઈ ચૂક્યા છે. ગુરુગ્રામમાં શુક્રવારની નમાજ જાહેર મેદાનોમાં થતી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આકરું વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જાહેરમાં નમાજ ન થવી જોઈએ અને તેને બિલકૂલ સહન કરવામાં આવશે નહીં. મુસ્લિમ સમાજના લોકો પોતાના ઘરમાં જ નમાજ અદા કરે.

આ પહેલા ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનરે સોમવારે જણાવ્યું હતું કે મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકો વચ્ચે બોલાવાઈ હતી, જેમાં અનેક નિર્ણયો લેવાયા હતા. હવે નમાજનો વિરોધ નહીં થાય. તેમાં નિર્ણય લેવાયો હતો કે હવે જાહેર સ્થળો પર નમાજ નહીં થાય. હવે શુક્રવારની નમાજ 12 મસ્જિદોમાં થશે. મુસ્લિમ સમાજે છ જાહેર સ્થળો પર નમાજ પઢવા માટે ભાડું આપવાનું રહેશે. વકફ બોર્ડને જમીન ઉપલબ્ધ થતાં જ 6 જગ્યાઓ પર નમાજ બંધ કરી દેવાશે.
ગુરુગ્રામમાં છેલ્લા ત્રણ મહિનાથી જાહેરમાં નમાજ પઢવાનો વિવાદ ચાલી રહ્યો છે. જોકે, આ વિવાદ હવે શાંત થતો હોય તેમ જણાય છે. હવે બંને પક્ષોએ ગુરુગ્રામના જિલ્લા ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી પરસ્પર સહમતી બનાવી છે કે વિવાદાસ્પદ સ્થળો જેમ કે સેક્ટર-37, સેક્ટર-37 અને સરહૌલ ગામમાં નમાજ પઢવામાં આવશે નહીં.
ગયા સોમવારે લેવાયેલા આ નિર્ણયને મુસ્લિમ સમાજે પણ આવકાર્યો છે. જિલ્લા તંત્ર અને સંયુક્ત હિન્દુ સંઘર્ષ સમિતિના સભ્યો સાથે બનેલી આ સંમતિ પર મુસ્લિમ સમાજે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ એમ પણ કહ્યું કે કેટલાક લોકો એવા પ્રકારની અફવાઓ ફેલાવતા હતા કે ગુરુગ્રામમાં નમાજનો વિરોધ થાય છે, તે એકદમ ખોટી વાત છે. મુસ્લિમ સમાજને ક્યારેય નમાજ પઢતા રોકવામાં આવ્યા નથી.