આઈપીઓ માર્કેટમાં જબ્બર તેજીના એંધાણ જોવાઈ રહ્યાં છે. આગામી મહિનાઓમાં યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને એસબીઆઈ લાઈફ સહિતની હાઈ-પ્રોફાઈલ કંપનીઓ કુલ રૂ. ૨૦,૦૦૦ કરોડના પબ્લિક ઈસ્યુ લાવવા સજ્જ બની છે. જાહેર માલિકીની જનરલ ઈન્સ્યોરન્સ કંપની ઈન્ડિયા એસ્યોરન્સ તથા રિઈન્સ્યોરન્સ કંપની જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઉપરાંત એચડીએફસી લાઈફ જેવી મોટી કંપનીઓ પણ તેમની શેર-સેલ ઓફર લોન્ચ કરશે. આ પૈકીની કેટલીક કંપનીઓએ પોતાની ડ્રાફટ પ્રપોઝલ સાથે બજાર નિયામક સેબીમાં પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની ઘણાં સમયથી આઈપીઓ લાવવાની યોજના ઘડી રહી હતી, જયારે એસબીઆઈ લાઈફે અગાઉ સંકેત આપ્યો હતો કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તેના શેરોનું વેચાણ હાથ ધરાશે. આ તમામ કંપનીઓ બજારમાંથી આશરે રૂ.૨૦,૦૦૦ કરોડનું ભંડોળ ઉભું કરશે.
અત્યાર સુધીમાં દેશમાં એક પણ મ્યુચ્યુઅલ ફંડે લિસ્ટિંગ કરાવ્યું નથી. જયારે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ રૂ.૬,૦૦૦ કરોડના આઈપીઓ સાથે ૨૦૧૬માં લિસ્ટ થનાર દેશની પ્રથમ વીમા કંપની બની હતી. યુટીઆઈ તેના આઈપીઓ બાદ લિસ્ટ થનાર દેશનું પ્રથમ ફંડ હાઉસ બનશે. એસબીઆઈ લાઈફના ૧૦ ટકા શેરોનું આઈપીઓ દ્વારા વેચાણ કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને બોર્ડની મંજૂરી મળી ગઈ છે. એચડીએફસીએ પણ ગત વર્ષે એપ્રિલમાં એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી ૧૦ ટકા હિસ્સો વેચવાની યોજનાને બહાલી આપી હતી. આ ઉપરાંત સરકાર પણ ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ તથા જીઆઈસી રિઈન્સ્યોરન્સ એ બંનેમાંથી ૨૫-૨૫ ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં તેના ચાર સ્પોન્સર્સ એસબીઆઈ, એલઆઈસી, બેન્ક ઓફ બરોડા તથા પંજાબ નેશનલ બેન્ક પ્રત્યેક૧૮.૫ ટકા હિસ્સો ધરાવે છે, જયારે ૨૬ ટકા હિસ્સો અમેરિકા સ્થિત ઈન્વેસ્ટમેન્ટ કંપની ટી રો પ્રાઈસ પાસે છે. આ આઈપીઓની મદદથી તેના ચાર સ્પોન્સર્સને તેમનો કેટલોક હિસ્સો ઘટાડવામાં મદદ મળશે.
આઈપીઓના માધ્યમથી ભંડોળ ઉભું કરવાથી કંપનીઓને એકસચેન્જીસ પર ઈકિવટી શેર્સના લિસ્ટિંગના લાભ મળવા ઉપરાંત તેનાથી તેમનું બ્રાન્ડનેમ વ્યાપક બને છે. આ સિવાય શેરોનું વેચાણ કરનારા વર્તમાન શેરધારકોને નાણાકીય તરલતા મળે છે.
નિષ્ણાતોના મતે અડધાથી વધુ કંપનીઓએ સેબી સમક્ષ ડ્રાફટ પેપર્સ ફાઈલ કરી દીધાં હોઈ ચાલુ વર્ષે આઈપીઓ માર્કેટમાં ધમધમાટ જોવા મળશે. સહાયક નિયમનકારી માહોલ તથા રોકાણકારોના હકારાત્મક વલણે પણ આઈપીઓ માર્કેટને સક્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કવોન્ટમ એએમસીના ડિરેકટર આઈ.વી. સુબ્રમણિયમના જણાવ્યાં અનુસાર આકર્ષક કિંમત ધરાવતા આઈપીઓને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ સાંપડશે. જયારે ઓવરપ્રાઈઝડ આઈપીઓને પૂરતો રિસ્પોન્સ નહીં મળે. ગયા વર્ષે ૨૬ કંપનીઓએ આઈપીઓ દ્વારા રૂ.૨૬,૦૦૦ કરોડ ઉભાં કર્યાં હતાં.