મુંબઇ, તા. ૯ : શિક્ષણ અને નોકરીમાં અનામત માટેની માંગણીના સમર્થનમાં મહારાષ્ટ્રના મરાઠા સમુદાયના લોકોએ આજે જોરદાર શક્તિ પરીક્ષણ કર્યું હતું. મુંબઈના માર્ગો ઉપર લાખો લોકો ઉતરી ગયા હતા. જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. નોકરી અને શિક્ષણમાં અનાતમની માંગને લઇને મૌન દેખાવના ભાગરુપે મરાઠા સમુદાયના લોકોએ શક્તિ પરીક્ષણ ક્યું હતું. ભાઈખલ્લા ઝુથી આઝાદ મેદાન સુધી હજારોની સંખ્યામાં મરાઠા સમુદાયના લોકો માર્ચમાં જોડાયા હતા. આ માર્ચમાં મોટી સંખ્યામાં યુવાઓ પણ સામેલ થયા હતા જેમાં મહિલાઓની પણ ખુબ મોટી સંખ્યા હતી. માર્ચના રુટ ઉપર માર્ગો ઉપર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. માર્ચના આયોજક મરાઠા ક્રાંતિ મોરચાએ કહ્યું હતું કે, આ માર્ચમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો સામેલ થયા છે. છ લાખ જેટલા લોકો સામેલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રના તમામ જિલ્લાના મરાઠા સમુદાયના લોકોએ લાખોની સંખ્યામાં શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. મરાઠા સમુદાય નોકરી અને શિક્ષણમાં અનામતની માંગણી કરી રહ્યા છે.
પ્રચંડ મૌન માર્ચમાં મોટી સંખ્યામાં અન્ય સમુદાયના લોકો પણ જોડાયા હતા. આને લઇને સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રાખવામાં આવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ભારે ધાંધલ ધમાલના દૃશ્યો સર્જાયા હતા. શાસક પાર્ટીના ધારાસભ્યો ગૃહની વચ્ચોવચ પહોંચ્યા હતા અને મરાઠા સમુદાયના અનામતની માંગણી કરી હતી. ધારાસભ્યોએ સ્પીકર સુધી પહોંચી ગયા હતા જેના લીધે ૪૫ મિનિટના ગાળામાં જ ત્રણ વખત વિધાનસભાની કામગીરી મોકૂફ કરવામાં આવી હતી. મરાઠા સમુદાયના લોકો મોટી સંખ્યામાં આજે શાંતિપૂર્ણ કૂચમાં જોડાયા હતા. ખાનગી વાહનોમાં વહેલી સવારથી મુંબઈમાં પહોંચડવા લાગી ગયા હતા. પરિવહનના સાધનોમાં પણ પહોંચ્યા હતા. લોકોના જોરદાર ધસારાને પહોંચી વળવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને ટ્રાફિકના જવાનો ગોઠવવામાં આવ્યા હતા. મુંબઈમાં વાહનોની અવરજવર રોકી દેવામાં આવી હતી. મરાઠા સમુદાયની ૫૮મી માર્ચ હતી. ઔરંગાબાદમાં પ્રથમ વાર આ પ્રકારની માર્ચનું આયોજન કરાયું હતું. સકલ મરાઠા સમાજ દ્વારા આનું આયોજન કરાયું હતું જે કેટલાક મરાઠા સંગઠનોના છત્ર સંગઠન તરીકે છે.