સરકારે શૉપ ઍન્ડ ઍસ્ટાબ્લિશમેન્ટ બિલમાં ફેરફાર કરતો ખરડો પ્રસ્તાવિત કર્યો |
મુંબઈ: ખાવા-પીવા ને હરવાફરવાના શોખીનો માટે સારા સમાચાર છે, હવે તમને રાત્રે બે વાગ્યે રેસ્ટોરાંમાં ખાવાનું મન થાય કે પછી શૉપિંગ કરવાની કે ફિલ્મ જોવાની ઈચ્છા થાય તો શક્ય બનશે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં શૉપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ બિલ વિધાનસભામાં પસાર થતાં આવી શક્યતા નિર્માણ પામી હતી. હવે આ બિલ વિધાન પરિષદમાં પ્રસ્તાવિત કરવામાં આવશે. આ બિલમાં વ્યાવસાયિક એકમોને ખોલવા અને બંધ કરવાનો સમય નક્કી કરવાની છૂટ આપી છે. ૨૪ કલાક અને ૩૬૫ દિવસ માટે માલિકો પોતાની ઈચ્છા પ્રમાણે સમય નિર્ધારિત કરી શકશે. જાહેરહિતને ધ્યાનમાં લઈ જે સ્થળો કે એકમો માટે સ્થાનિક સંસ્થા કોઈ સમયમર્યાદા નક્કી ન કરે તે તમામ એકમોને આ લાગુ પડશે. અત્યારના નિયમો પ્રમાણે દુકાનોએ દસ વાગ્યે, વ્યાવસાયિક એકમોએ સાડાનવ વાગ્યે અને રેસ્ટોરાંએ સાડાબાર વાગ્યે બંધ કરવાનો નિયમ છે. આમ કરવા પાછળનું લક્ષ્ય ઑનલાઈન બિઝનેસ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવવાનું તેમ જ ઈન્સ્પેક્ટરરાજ ખતમ કરવાનું છે. જે એકમો ફેક્ટરી એક્ટ અંતર્ગત નથી આવતા તેવા તમામને આ લાગુ પડે છે. હોટેલ, રેસ્ટોરાં, થિયેટર, જાહેર મનોરંજનના સ્થળોનો સમાવેશ થાય છે.
આ સાથે તેમણે નાની મોટી કરિયાણાની દુકાનો અથવા તો અન્ય એકમો જેમાં દસ કરતા ઓછા કામદાર કામ કરતા હોય તેમને નિયમોમાં છૂટછાટ આપી છે. તેમને કામદાર કલ્યાણની જોગવાઈ લાગુ પડશે નહીં, તેમ પણ બિલમાં સ્પષ્ટતા કરવામાં આવે છે. નાની દુકાન ખોલવા માટે સરકારી ખાતામાં રજિસ્ટ્રેશનની જરૂર પડશે નહી, માત્ર રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ફેસિલિટેટરને જણાવવાનું રહેશે, દુકાન બંધ કરવા માટે પણ તેમણે તેને ત્રીસ દિવસમાં જણાવવાનું રહેશે. આમ થવાથી કરિયાણા, પાન-મસાલા અને નાના-મોટા ધંધા કરતી દુકાનદારો પાસેથી કરવામાં આવતી વસૂલી અને ઈન્સ્પેક્ટરરાજ ખતમ થશે.
આ સાથે આ બિલમાં મહિલાઓને પણ નાઈટશિફ્ટમાં કામ કરવાની અનુમતિ આપી છે, પરંતુ તે માટે જે તે મહિલાની પરવાનગી લેવી જરૂરી છે. કર્મચારી કે કામદારોએ નવ કલાકથી વધારે કામ કરવાનું રહેશે નહીં. તેમને પગાર સહિતની રજાઓ અને ઑવરટાઈમ પણ આપવાનું રહેશે. આ સાથે એકમના માલિકે તેના પરિવહન અને સુરક્ષાની જવાબદારી લેવાની રહેશે. કામદાર યુનિયને આ બિલ પ્રત્યે નારાજગી દર્શાવી છે, પરંતુ રિટેલરોએ તેે વધાવ્યું છે.