રિટર્ન ફાઈલ કરવામાં બેથી વધુ વાર ડિફોલ્ટ થનારાઓને રોજના રૂા.૨૦૦ પ્રમાણે દંડ કરવાની જોગવાઈ
કંપનીઓ દ્વારા ફાઈલ કરવામાં આવતા વાર્ષિક રિટર્ન અને વાર્ષિક ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ (સરવૈયું) રજૂ કરવામાં વિલંબ કરવા માટેની ફીમાં ૪૦૦ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. કંપનીઝ એમેન્ડમેન્ટ બિલ ૨૦૧૭ના માધ્યમથી આ સુધારો કરવામાં આવ્યો છે. ૨૦૧૩ની સાલમાં કંપનીઓ પાસેથી જે ફી લેવાનું ચાલુ કરવામાં આવ્યું હતું તેની તુલનાએ ૨૦૧૭ની સાલમાં ભરવાપાત્ર બનતી ફીની ટકાવારીમાં ૪૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ફોર્મ ભરવામાં બેથી વધુ વાર ડિફોલ્ટ કરનારાઓને તેનાથીય વધુ ફી ભરવાની ફરજ પાડવામાં આવી છે. જોકે વધારાની ઊંચી ફી લેવામાં તો આવશે, પરંતુ બેથી વધુ વાર પૈસા જમા કરાવવામાં ડિફોલ્ટર બનનારને પહેલીવાર ફી ભરવવામાં આવે છે ત્યારે રોજના વધારાના રૃ. ૨૦૦ જમા કરાવવાની ફરજ પાડવામાં વાર્ષિક રિટર્ન ફાઈલ કરવામાં ૩૦ દિવસનો વિલંબ કરવામાં આવે તો તેને માટે ૨૦૧૩ની સાલના કંપનીઝ એકટની જોગવાઈ મુજબ રૃ. ૬૦૦નો દંડ કરવામાં આવતો હતો. કંપનીઝ એકટ ૨૦૧૭માં તેમાં સુધારો કરીને આ વિલંબ માટેની ફી રૃ. ૩૦૦૦ કરી દેવામાં આવી છે. આમ તેમાં ૪૦૦ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. વાર્ષિક રિટર્ન ફાઈલ કરવા માટે કંપનીએ ફોર્મ એમ.જી.સી-૭ ફાઈલ કરવું પડે છે.
આ વિલંબ ૩૧ દિવસનો થાય તો જૂની જોગવાઈ પ્રમાણે રૃ. ૧૨૦૦ની ફી વસૂલવામાં આવતી હતી, તેની સામે હવે પછી રૃ. ૩૧૦૦ વસૂલવામાં આવશે. બીજી તરફ વાર્ષિક સરવૈયું ફાઈલ કરવા માટે કંપનીએ ફોર્મ નંબર એ.ઓ.સી. ૪ ફાઈલ કરવું પડે છે. આ ફોર્મ ભરવામાં ૩૧થી ૬૦ દિવસનો વિલંબ થાય તો કંપનીએ રૃ. ૧૨૦૦નો દંડ ભરવાની જૂની જોગવાઈમાં વધારો કરીને રૃ. ૬૦૦૦ની લેટ ફી ફાઈલ કરવાની જોગવાઈ દાખલ કરી દેવામાં આવી છે. ૬૧ દિવસના વિલંબ માટેની ફી ૧૮૦૦થી વધારીને ૬૧૦૦ કરી દેવામાં આવી છે. આ બંને ફોર્મ ભરવામાં ૯૦ દિવસનો વિલંબ થાય તો પહેલા રૃ. ૧૮૦૦નો દંડ લેવાની જોગવાઈ હતી, તે વધારીને હવે રૃ. ૯૦૦૦ કરી દેવામાં આવ્યા છે. ઉપરોકત બંને ફોર્મ ભરવામાં ૯૧થી ૧૮૦ દિવસ સુધીને વિલંબ કરનારાઓને પહેલારૃ. ૩૦૦૦ની લેટ ફી ભરવાની જૂના કાયદા હેઠળની જોગવાઈમાં ફેરફાર કરીને રૃ. ૧૮૦૦૦ ભરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી હતી. ૧૮૧ દિવસ કે તેનાથી વધુનો વિલંબ કરનારાઓને રૃ. ૩૬૦૦ ભરવાની જોગવાઈમાં ફેરફાર કરીને તેમને રૃ. ૧૮૧૦૦ ભરવાની જોગવાઈ અમલી બનાવવામાં આવી છે. લોકસભાએ આ ખરડાને મંજૂરી આપી દીધી છે. પરિણામે ટૂંક સમયમાં આ નવી જોગવાઈ અમલી બની જવાની શકયતા છે. રાજયસભામાંથી તેને મંજૂરી આપી દેવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે. આ જફામાંથી છૂટકારો મેળવવા ઇચ્છનારા કરદાતાઓએ તેમના પેન્ડિંગ રિટર્ન વહેલા ફાઈલ કરી દેવા જોઈએ તેવું જીએસટીના કાયદાના જાણકારોનું કહેવું છે.