મોદી સરકાર એક નવી પોલિસી પર કામ કરી રહી છે, જે હેઠળ વાહનો પાસેથી કિલોમીટરના હિસાબે ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવશે. એટલે કે એ ટોલ રોડ પર વાહન જેટલા કિમી ચાલશે, યાત્રીઓને એટલા જ અંતરનો ટેક્સ આપવો પડશે. હાલની વ્યવસ્થામાં વાહનો પાસેથી ટોલ રોડનો ટેક્સ વસૂલ કરવામાં આવે છે. અલગ અલગ શ્રેણીઓના વાહનો માટે રકમ અગાઉથી નક્કી છે. એ વાતનો કોઇ ફરક નથી કે કોઇ વાહને પૂરા ટોલ રોડનો ઉપયોગ કર્યો છે કે એના એક ભાગનો ઉપયોગ કર્યો છે.
વર્તમાનમાં લાગૂ ટોલ પોલિસીને ઓપન ટોલ પોલિસી કહેવામાં આવે છે. એમાં સરેરાશ ૬૦ કિમીની સફર પર એક નિશ્વિત રકમની ફી વસૂલ કરવામાં આવે છે.હવે સરકાર ક્લોસ્ડ ટોલ પોલિસી લાવવા પર વિચાર કરી રહી છે. એ હેઠળ યાત્રી પ્રતિ કિમીના હિસાબથી રૃપિયા ચૂકવી શકશે.કેબિનેટમાંથી મંજૂરી મળ્યા બાદ આ વ્યવસ્થા દેશના દરેક હાઇવે અને એક્સપ્રેસ વે પર લાગૂ પડી જશે.આ યોજનાને એવા સમયે અમલમાં મૂકવામાં આવી રહી છે જ્યારે દેશના નેશનલ હાઇને પર ટોલ ટેક્સમાં સતત વધારો થવાની ફરિયાદો આવી રહી છે. એનાથી લોકોનો યાત્રા ખર્ચ વધી રહ્યો છે. હાઇવે પર દર વર્ષે ટોલ ટેક્સ નક્કી કરવામાં આવે છે.
રસ્તા તથા પરિવહન મંત્રાલયના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર યોજના સૌથી પહેલા ૧૩૫ કિમી ના નવા ઇસ્ટર્ન એક્સપ્રેસવે પર લાગૂ કરવામાં આવશે, જે દિલ્હી થઇને હરીયાણા અને ઉત્તરપ્રદેશને જોડે છે.ગત સપ્તાહે ઇન્ડિયા ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ સમિટમાં રસ્તા તથા પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આ યોજનાનો સંકેત આપ્યો હતો.