ગાંધીનગર: ખાતે કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતીમાં સમર્થકોના સંમેલનમાં સમાપન પ્રસંગે કોંગ્રેસ હાઇકમાન્ડ સામે ગંભીર આક્ષેપો કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે યુપીમાં કોંગ્રેસના પાટીયા બેસી ગયા છતા ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કોઇ પ્લાનીંગ નથી. ગુજરાત જીતી શકાય તેમ છે. મહેનત ન કરો તો તમે ભાજપ પાસેથી હારવાની સોપારી લીધી છે તેવો અર્થ થાય.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે હું છેલ્લી ઘડીએ હોમવર્ક કરવાવાળો માણસ નથી. કોંગ્રેસના નેતાઓ કાર્યકરોનું મોરલ ડાઉન કરે તેવા કાર્યો ન કરવા જોઇએ. મારે કોંગ્રેસ સાથે ખાડામાં નથી પડવું, હું કાર્યકરોની લાગણી દિલ્હી સુધી પહોંચાડીશ.
શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું કે, પ્રજા જ સાચા અર્થમાં હાઇકમાન્ડ છે. ગરીબો-બેરોજગારોનું કોઇ નથી. મોંઘવારી વધી રહી છે. લોકોને વિજ બીલની પણ ચિંતા છે અને દુઃખનો કોઇ પાર નથી. હું મુખ્યમંત્રી હોત તો આજે પણ લોકોને સસ્તા ભાવે વિજળી મળતી હોત.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જે લોકોએ નેતાઓને ચુંટણીમાં જીતાડીને સતા ઉપર બેસાડયા છે તે નેતાઓને મળવા માટે લોકોએ એપોઇમેન્ટ લેવી પડે છ. આવી પરિસ્થિતિ ગુજરાતની થઇ ગઇ છે.