મુંબઇ : સામાન્ય ટિકીટ કંડક્ટરથી દક્ષિણમાં ભગવાન તરીકે પૂજાતા અભિનેતા સુધીની સફર કરનારા સુપરસ્ટાર રજનીકાંત ટૂંક સમયમાં રાજકારણની સફર શરૂ કરે એવી શક્યતા છે. રજનીકાંત રાજકારણમાં પ્રવેશે એ અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો થઇ રહી હતી પરંતુ હવે રજનીકાંતના ભાઇએ આપેલા એક નિવેદનને પગલે આ અટકળોને વેગ મળ્યો છે. રજનીકાંત જુલાઇ મહિનાના અંત સુધીમાં પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી શકે એવું નિવેદન રજનીકાંતના ભાઇ સત્યનારાયણ રાવ ગાયકવાડે આપ્યું છે. થોડા સમય પહેલા જ રજનીકાંતે પોતાના ચાહકોને સંબોધ્યા હતા ત્યારબાદ તેમના ભાઇએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે.
ચાહકોને સંબોધતા વખતે સીધી રીતે તો રજનીકાંતે રાજકારણમાં પ્રવેશવા અંગે કોઇ વાત કરી નહોતી. પરંતુ ત્યારબાદ રાજકીય વર્તુળોમાં રજનીકાંતના રાજકારણ પ્રવેશની ચર્ચાએ જોર પકડયું હતું. રજનીકાંતે ચાહકોને સંબોધતા કહ્યું હતું કે તામિલનાડુમાં ઘણા સારા રાજકારણીઓ છે, પરંતુ સિસ્ટમ સડી ગયેલી છે. તેમણે પોતાના ચાહકોને સિસ્ટમ સ્વચ્છ રાખવાની વિનંતી કરી હતી તેમ જ લડત માટે તૈયાર રહેવા પણ જણાવ્યું હતું. રજનીકાંત ૧૫ મેથી ૧૯ મે દરમિયાન ૧૫ જિલ્લામાં પોતાના ચાહકોને મળ્યા હતા.