કઠોર સજાની સાથે સાથે ૧૪ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો : અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે રોહતકના સુનારિયા જેલમાં કામચલાઉ કોર્ટ ઉભી કરાઈ : જજ લખીને ચુકાદો લાવ્યા : બાબાની બધી દલીલો ફગાવાઈ
સિરસા, તા.૨૮ : સાધ્વી પર રેપના કેસમાં દોષિત જાહેર કરવામાં આવેલા ડેરા સચ્ચા સૌદાના વડા વિવાદાસ્પદ બાબા ગુરમીત રામ રહીમને સીબીઆઇની ખાસ અદાલતે ધારણા પ્રમાણે જ કઠોર સજા ફટકારવામાં આવી હતી. રામ રહીમને બે જુદા જુદા મામલામાં ૧૦-૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સજા અલગ અલગ ભોગવવાની રહેશે. જજે રામ રહીમને ૧૦-૧૦ વર્ષની જેલની સજાની સાથે સાથે બંને પીડિતોને ૧૪ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. કોર્ટમાં બાબાની કોઇ દલીલો સાંભળવામાં આવી ન હતી. તેમની દલીલો બિનઅસરકારક સાબિત થઇ હતી. સીબીઆઇ કોર્ટે બાબા રામ રહીમને કલમ ૩૭૬, ૫૧૧ અને ૫૦૬ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ ૧૦-૧૦ વર્ષની સજા કરવામાં આવી છે. સજા કરવામાં આવ્યા બાદ ખાસ સીબીાઇ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર ફેંકવાનો નિર્ણય ડેરા દ્વારા કરવામાં આવ્યો છે. અગાઉ જજ પોતે વિમાન મારફતે રોહતક પહોંચ્યા હતા. રોહતકની સુનારિયા જેલમાં કામચલાઉ કોર્ટ ઉભી કરવામાં આવી હતી. બન્ને પક્ષો દ્વારા તેમા તર્કદાર દલીલો કરવામાં આવી હતી. બચાવ પક્ષે દલીલ કરી હતી કે રામ રહિમ એક સામાજિક કાર્યકર છે. લોકોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે. આ બાબતને પણ જજે સજા કરતી વેળા ધ્યાનમાં લેવી જોઇએ.વકીલોએ દલીલ કરી હતી કે બાબા બ્લડ ડોનેશન કેમ્પ અને સફાઇ અભિયાન ચલાવી રહ્યા છે. બાબાના વકીલોએ માફીની માંગ પણ કરી હતી જે ફગાવી દેવામાં આવી હતી. જો કે, બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલોની કોઇ અસર જજ જગદીપસિંહ પર થઇ ન હતી. જગદીપસિંહ પોતાની સાથે ચુકાદો લખીને લાવ્યા હતા. બે વાગ્યાની આસપાસ જજે ચુકાદો સંભાળવવાની શરૂઆત કરી દીધી હતી. આશરે કલાક સુધી દલીલબાજીનો દોર ચાલ્યો હતો. બચાવ પક્ષના વકીલો દ્વારા રામ રહીમની જેલને પણ બદલવાની અપીલ કરી હતી. બચાવ પક્ષ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ રોહતકમાં સોનારિયા જેલની આસપાસ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. જજે ચુકાદો આપ્યા બાદ જ્યાં સુધી જજ પરત રવાના ન થાય ત્યાં સુધી વાહનોની અવરજવર રોકી દેવામાં આવી હતી. કોઇપણ વાહનોને મંજુરી આપવામાં આવી ન હતી. બીજી બાજુ કોર્ટની બહાર અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રોહતક સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું હતું. બપોરે ૨-૩૦ વાગે અપાયેલા ચુકાદા પહેલા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. સુરક્ષા વધારી દેવામાં આવી હતી. બાબાને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ હાલમાં રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. પંચકુલામાં સૌથી વધારે હાલત ખરાબ થઇ હતી. મોટા ભાગના વિસ્તારોમાં સંચારબંધી લાગુ કરવામાં આવી હતી. બાબા ગુરમિત રામરહીમ સિંહને પંચકુલામાં ખાસ સીબીઆઈ કોર્ટે ૨૫મી ઓગષ્ટના દિવસે બળાત્કારના કેસમાં દોષિત જાહેર કર્યા બાદ તરત જ જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા.તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ દેશના પાંચ રાજ્યો હિંસાથી હચમચી ઉઠ્યા હતા. જેમાં ૩૧ લોકોના મોત થયા હતા. ૩૦૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. ૨૫મી ઓગષ્ટના દિવસે પંચકુલા ખાસ કોર્ટમાં ચુકાદો આવતા પહેલા જ કોર્ટ રુમની બહાર જોરદાર ડ્રામાબાજી સર્જાઈ હતી. અનેક પ્રકારના વળાંકો આવ્યા હતા. કોર્ટ સંકુલથી એક કિલોમીટરની હદની બહાર બાબાના હજારો સમર્થકો એકત્રિત થઇ ગયા હતા. ચુકાદો આવતા પહેલા જ પંચકુલા અને આસપાસના વિસ્તારોમાં વિજળી કાપી નાંખવામાં આવી હતી. કોર્ટ સંકુલના એક કિલોમીટરના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યું હતું. ચુકાદો આવ્યા બાદ અફડાતફડી જોવા મળી હતી. હિંસાની શરૂઆત થઇ હતી. એકલા પંચકુલામાં વ્યાપક હિંસામાં ૨૭ લોકોના મોત થયા હતા. ચુકાદો આપવાની શરૂઆત થઇ ત્યારે પોલીસ અધિકારીઓને પણ બહાર મોકલી દેવામાં આવ્યા હતા. કોર્ટ રુમમાં તમામ ફોન બંધ કરી દેવામાં આવ્યા હતા. કલમ ૧૪૪ લાગૂ કરાઈ હોવા છતાં પંચકુલામાં લાખો લોકો એકત્રિત થઇ ગયા હતા.