અમદાવાદ: આજે દેશના ૧૪મા રાષ્ટ્રપતિની પસંદગી માટે ગુજરાત સહિત દેશભરમાં મતદાન શરૂ થયું છે. ભાજપ કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે સવારે પોતાના ઉમેદવારને મત આપવા ગાંધીનગર પહોંચ્યા હતા. રાજ્યના તમામ ધારાસભ્યો અને સાંસદો આજે બેલેટ પેપરથી સિક્રેટ વોટિંગ કરશે. જેમાં એક ખાસ પેનનો ઉપયોગ થઇ રહ્યો છે. સવારે ૧૦ કલાકે સ્વર્ણિમ સંકુલમાં મતદાન શરૂ થઇ ચૂક્યું છે. જેમાં કોઇ પણ રાજકીય પક્ષ તેમના સાંસદ અને ધારાસભ્યોને વ્હિપ આપી નહીં શકે તેવું ચૂંટણી આયોગે સ્પષ્ટ કર્યું છે. પહેલી વાર વિધાનસભા બિલ્ડિંગનું રિનોવેશન ચાલતું હોવાથી સ્વર્ણિમ સંકુલ-રમાં મતદાન થઇ રહ્યું છે. રાજ્યમાં પહેલી વાર ૧૮ર ધારાસભ્ય મતદાન કરી રહ્યા છે.
રાજ્યના ર૬ સાંસદ અને રાજ્યસભાના ૧૧ સભ્ય ગુજરાતમાં નહીં પરંતુ દિલ્હીમાં મતદાન કરી રહ્યા છે. ધારાસભ્યો માટે ગુલાબી રંગનું બેલેટ પેપર અને સાંસદો અને રાજ્યસભાના સાંસદો માટે ગ્રે કલરનું બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. આજે સાંજે પ વાગે મતદાન પૂરું થયા બાદ મતપેટીઓ દિલ્હી મોકલવામાં આવશે.
બિહારના હાલના રાજ્યપાલ રામનાથ કોવિંદને ભાજપે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. રામનાથ કોવિંદ શનિવારે ગુજરાતની મુલાકાતે હતા અને ભાજપના તમામ ધારાસભ્યો સાથે તેમણે એક બેઠક કરી હતી.
કોંગ્રેસ પક્ષ તરફથી મીરાંકુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવાયા છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ, વિધાનસભાના સ્પીકર રમણભાઇ વોરા, પ્રધાનમંડળના સભ્યો જ્યારે કોંગ્રસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. ભાજપના ધારાસભ્ય નલિનભાઇ કોટડિયાએ રામનાથ કોવિંદને મત આપવાની ના પાડી હતી. ૧૯૭૧ની વસ્તી ગણતરીના આધારે ધારાસભ્યોના મતદાનનું મૂલ્ય નક્કી કરાયું છે. જેમાં ધારાસભ્યના મતનું મૂલ્ય ૧૪૭ છે. જ્યારે સાંસદોના મતનું મૂલ્ય ૭૦૮ છે.