નવી દિલ્હી : રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે જોડાયેલી રણનીતિ મુદ્દે ગુરૂવારે યોજનારી વિપક્ષી બેઠકનાં એક દિવસ પહેલા જ નીતીશ કુમાર દ્વારા એનડીએ ઉમેદવાર કોવિંદને સમર્થનની જાહેરાતથી વિપક્ષી એકતાને ઝટકો લાગ્યો છે. બીજી તરફ બિહારમાં મહાગઠબંધનનાં સૌથી મોટા પાર્ટનર આરજેડીનાં વડા લાલુ યાદવે કહ્યું કે તેઓ ગુરૂવારે વિપક્ષની બેઠકમાં નક્કી કાર્યક્રમ અનુસાર જ કામગીરી કરશે.તેમણે કહ્યું કે નીતીશે પોતાનાં ધારાસભ્યોને શું કહ્યું તે અંગે હું નથી જાણતો.
આ પ્રકારે રાષ્ટ્રપતિ ચૂંટણીનાં મુદ્દે બિહારમાં મહાગઠબંધનનાં બે મહત્વનાં પાત્રો નીતીશ અને લાલૂ બે અલગ અલગ છેડા પર જોવા મળી રહ્યા છે. ભાજપે જે દિવસે એનડીએની તરફ રાષ્ટ્રપતિ પદ માટે રામનાથ કોવિંદનાં નામની જાહેરાત કરી, તે દિવસે બિહારનાં મુખ્યમંત્રી અને જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમારે સંકેત આપ્યા હતા કે તેઓ કોવિંદની સાથે જઇ શકે છે.
નીતીશે કોવિંદની ઉમેદવારીની જાહેરાત બાદ પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. બિહારનાં ગવર્નર જો રાષ્ટ્રપતિ બને તો તો તે ગર્વની વાત છે. ત્યાર બાદ તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કોંગ્રેસને પણ જાણ કરી હતી. બુધવારે નીતીશે પટનામાં જેડીયું ધારાસભ્યોની બેઠક બોલાવી હતી અને તેણે કોવિંદને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. જો કે પાર્ટી તરફથી ઔપચારિક રીતે કોવિંદને સમર્થન આપવાની હજી સુધી જાહેરાત નથી થઇ.