અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને મળેલી જીત બાદ કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકવાની ભારે કવાયત થઈ રહી છે. જેના ભાગરૂપે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાતનો પ્રવાસ ગોઠવાયો હોવાનું કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ આગામી ૫મી સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેમની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં કોંગ્રેસ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી જાહેર કરે તેવી પ્રબળ શક્યતા છે.
કોંગ્રેસના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી સપ્ટેમ્બર મહિનામાં કુલ ૧૨ દિવસ ગુજરાતના પ્રવાસે રહેવાનાં છે. જેમાં ત્રણ-ત્રણ દિવસના ચાર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે શનિવારના રોજ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં પ્રકાશ જોશી અને અન્ય ખાસ લોકોની એક બેઠક યોજાઈ હતી. અમદાવાદ રિવરફ્રન્ટ પર ૫મી સપ્ટેમ્બરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં રાહુલ ગાંધી સભા સંબોધશે.