નવી દિલ્હી તા.ર૬ : રિઝર્વ બેંકે રૂ.ર૦૦૦ની નોટ છાપવાનું બંધ કરી દીધુ છે અને રૂ.ર૦૦ની નોટની છપામણી જોરશોરથી શરૂ કરી દીધી છે. જાણવા મળતી વિગત મુજબ રૂ.ર૦૦૦ની નોટનું છાપવાનું કામ પાંચ મહિના પહેલા બંધ કરી દેવાયુ છે અને ચાલુ નાણાકીય વર્ષમાં આ નોટનું પ્રિન્ટીંગ કરવામાં નહી આવે. જયારે રૂ.ર૦૦ની નોટ આવતા મહિનાથી લોકોના હાથમાં ફરતી થઇ જશે તેવુ જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેંકે રૂ. ર૦૦૦ની નોટનું પ્રિન્ટીંગ પાંચ મહિના પહેલા અટકાવી દીધુ હતુ અને હવે નાની નોટ છાપવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. રિઝર્વ બેંકના મૈસુર પ્રેસમાં રૂ.ર૦૦ની નોટ જોરશોરથી છાપવામાં આવી રહી છે. આવતા મહિને લગભગ ૧ અબજ રૂપિયાની ર૦૦ના મુલ્યની નોટ બજારમાં આવશે.
જાણકારોના કહેવા મુજબ રૂ.ર૦૦૦ની ૭.૪ લાખ કરોડ રૂપિયાના મૂલ્યની ૩.૭ અબજ નોટ પ્રિન્ટ થઇ ચુકી છે. જે ૮મી નવેમ્બર નોટબંધી બાદ બંધ ૧૦૦૦ રૂ.ની ૬.૩ અબજ નોટના મૂલ્યથી વધુ છે. હાલ છાપવામાં આવી રહેલી નોટમાં ૯૦ ટકા પ૦૦ રૂ.ની છે. અત્યાર સુધીમાં પ૦૦ની ૧૪ અબજ નોટ છાપવામાં આવી છે જે ૮મી નવેમ્બરે બંધ થયેલ પ૦૦ રૂ.ની ૧પ.૭ અબજ નોટની ઘણી નજીક છે.
રિઝર્વ બેંક હવે ર૦૦ની નોટ ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં વહેતી કરે તેવી શકયતા છે. જુન ર૦૧૬માં આ નોટનું પ્રિન્ટીંગ શરૂ થયુ હતુ. સુત્રોના કહેવા મુજબ પ્રક્રિયા પુરી કરવામાં ૧પ થી ર૦ દિવસ જેટલો સમય લાગશે. ર૦૦ની નોટ બજારમાં આવવાથી બેન્કોની રોકડમાં મોટો વધારો થવાની શકયતા છે ઉપરાંત રોકડની અછત પણ દુર થઇ જશે.
મળતા અહેવાલો મુજબ સરકાર ટુંક સમયમાં ગયા વર્ષે બહાર પાડવામાં આવેલી રૂ.ર૦૦૦ની નોટ સમાપ્ત કરવા જઇ રહી છે. રિઝર્વ બેંકે ઘણા સમયથી આ નોટની સપ્લાય પણ ઘટાડી દીધી છે. એટીએમમાંથી પણ આ નોટને દુર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને રૂ.ર૦૦ની નોટ આવતા એટીએમમાંથી ર૦૦૦ની નોટ નીકળવાનું બંધ થઇ જશે.