ગુજરાતમાં પ્રજાના માથે વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીઓ ઠોકી બેસાડી છે. એક સમયે વિધાનસભાની પેટા ચૂંટણી જે તે સભ્યના નિધનના પગલે યોજાતી. ભાગ્યે જ કોઇ સભ્ય રાજીનામુ આપતાં. કોઇ સભ્ય રાજીનામુ આપે તો મોટા સમાચાર અને ઘટના બનતી. પણ હવે સભ્યો (?) રાજીનામુ આપે એટલે વૃતાંતલેખકો રાહ જુએ છે કે બીજા કોણે કોણે આપ્યા રાજીનામા….!!
કોંગ્રેસે પેટા ચૂંટણીમાં ભાજપ સામે આરોપ મૂક્યો કે ભાજપે કાળાનાણાંથી અમારા એક- એક ધારાસભ્યને 25-25 કરોડ઼ આપીને ખરીદ્યા છે. સીએમ વિજય રૂપાણીએ તેનો એવો જવાબ આપ્યો કે એક ધારાસભ્યના 25 કરોડ….? શું વાત કરો છો…અરે, 25 કરોડમાં તો આખી કોંગ્રેસ ખરીદી લઉં….!! એક રીતે જોઇએ તો રૂપાણીએ આખી ગુજરાત કોંગ્રેસનો ભાવ 25 કરોડ નક્કી કરી નાંખ્યો..
ગુજરાતમાં કોંગ્રેસના 70 ધારાસભ્યો ગણીએ તો 25 કરોડ ભાગ્યા 70 કરીએ તો ભાજપના ભાવ પ્રમાણે એક ધારાસભ્યનો ભાવ 35,71,428.57 થયો…!! કાં તો અમિત ચાવડાએ પોતાના સભ્યોની કિંમત અને હિંમત વધારે આંકી છે કાં તો કેટલાક સભ્યોને મૂલ્ય કરતાં વધારે તો નહીં મળ્યા હોય ને….?!
રૂપાણીએ વિધાનસભામાં વિપક્ષમાં બેસનાર આખી કોંગ્રેસની કિંમત 25 કરોડ કરી નાંખી તો જે સત્તામાં છે તેની કિંમત ચાવડા નક્કી કરશે કે ગુજરાતની પ્રજા….? કોઇએ ચાવડાને કહેવુ જોઇએ કે તેઓ સત્તામાં બેસનાર ભાજપની કિંમત 25 કરોડ કરતાં ઓછી જાહેર કરે….ચાલો, આખરે કોંગ્રેસની અને તેમના ધારાસભ્યોની કિંમત તો અંકાઇ ગઇ..હવે કોઇ કોંગ્રેસી સભ્ય રાજીનામુ આપે તો માની લેવુપડે કે કમસે કમ 35.71 લાખ તો મળશે જ…અને જે વધારાના મળે તે કેસરી બોનસ ગણાશે….!!