વડોદરા પંથકની મેડીકલ સ્ટુડન્ટ પાસેથી વચેટીયા મારફત ર૦ લાખ રૂપીયાની લાંચ સ્વીકારવાના આરોપસર અમદાવાદ હેડ કવાટૃરના એસીબીના આસી. ડાયરેકટર રૂપલબેન તથા અન્ય અફસરોની આગેવાની હેઠળની ટીમના છટકામાં ઝડપાયેલ આરોપીઓ તથા આરોપીઓના પરીવારની મિલ્કતની તપાસ કરવા ચોક્કસ બંગલાઓ અને ઓફીસોનું એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધરતા કરોડોની બેંક એફડી સહીતની જંગી રકમનો દલ્લો મળી આવ્યાનું સુત્રો જણાવે છે.
સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સર્ચ ઓપરેશનનો વ્યાપ વધતા અને વિશાળ પ્રમાણમાં ઝીણવટભરી તપાસ કરવાની હોવાની છટકા માટે ગયેલી ટીમ દ્વારા રાજયના એસીબી વડા પૃથ્વીપાલ પાન્ડેયજીનું ધ્યાન દોરાતા તેઓએ ગત મધરાત્રે જ ડીવાયએસપી કક્ષાના ૪ અફસરો અને ચુનંદા પોલીસ ઇન્સ્પેકટરોની ટીમ મધરાત્રે જ વડોદરા જવા રવાના કરી દીધી હતી.
સુત્રોમાં તથા શિક્ષણ જગતમાં ચાલતી ચર્ચા મુજબ રશીયા-ચીનમાંથી તબીબી ડિગ્રી મેળવનારને ભારતમાં એમસીઆઇની ડીગ્રી મેળવવી હોય તો કેટલીક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
સુત્રોનું વિશેષમાં જણાવ્યા મુજબ ચોક્કસ શિક્ષણ સંસ્થાઓ દ્વારા આવા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને તથા ગરજવાન વાલીઓને શોધી આવી ડીગ્રી મેળવી આપવા માટે ચાવીરૂપ ભુમીકાઓ ભજવાતી હોય છે. સ્વભાવીક રીતે જ આ કાર્ય માટે મોટી રકમની લાંચની લેવડ-દેવડ થતી હોય છે. સુત્રોના કથન મુજબ એસીબી તપાસ દરમિયાન આવી કેટલીક બાબતો પ્રકાશમાં આવતા આવા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તથા વાલીઓને શોધી સમગ્ર નેટવર્ક ભેદવા માટે ધમધમાટ શરૂ કરેલ છે. એસીબી દ્વારા આવા કાર્યમાં વચેટીયાઓની ભુમીકા ભજવનાર કેટલાક શકમંદ શખ્સોની તપાસ શરૂ કરવા સાથે કેટલાક શખ્સો પર વોચ ગોઠવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
એક ચોંકાવનારી અને રસપ્રદ બાબત એવી બહાર આવી છે કે, સમગ્ર ગેરકાયદે પ્રક્રિયાને કાનુની બનાવવા અને છટકબારી રાખવા માટે આવા કાર્યોના પ્રારંભે જે તે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓના વાલી પાસેથી એડવાન્સ ચેક મેળવી લેવામાં આવતા હોય છે. કાર્ય પુરૂ થયે અને રકમ મળ્યે વચેટીયાની લીલીઝંડી બાદ આવા ચેક પરત કરવામાં આવતા હોય છે.
સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ મોટી રકમની એફડી મળવા સાથે બેહિસાબી મિલ્કતો મળી આવતા એસીબી દ્વારા ઇન્કમ ટેક્ષ વિભાગને જાણ કરતા જ ઇન્કમ ટેક્ષની એક સ્પેશ્યલ ટીમ પણ તપાસમાં જોડાઇ છે.
એવું કહેવાય છે કે, નોટબંધી બાદ કરોડોની રકમો પણ ચોક્કસ બેન્કમાં જમા કરાવવામાં કેટલાક તત્વોને સફળતા મળી હતી. એક એવી શંકા પણ સેવાઇ રહી છે કે વિદેશોમાં ગેરકાયદે મની મોકલી મની ટ્રાન્સફરનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ખુલે તો પણ નવાઇ નહી.
નોટબંધી બાદ ચોક્કસ શિક્ષણ સંસ્થાએ કરોડોની રકમ બેન્કમાં જમા કરાવી
વડોદરામાં ર૦ લાખનું લાંચ પ્રકરણ એસીબી તપાસમાં બહાર આવ્યા બાદ શિક્ષણ જગતમાં તથા એસીબી વર્તુળોમાં ચાલતી રાજયવ્યાપી તપાસ દરમિયાન નોટબંધી બાદ પોતાની વગનો ઉપયોગ કરી ચોક્કસ શિક્ષણ સંસ્થાઓએ કરોડોની રકમ બેન્કમાં જમા કરાવ્યાનું પણ એસીબી તપાસમાં ખુલ્યાની ચર્ચાઓ છે.વડોદરામાં ર૦ લાખનું લાંચ પ્રકરણ એસીબી તપાસમાં બહાર આવ્યા બાદ શિક્ષણ જગતમાં તથા એસીબી વર્તુળોમાં ઇન્ટરનેશનલ મની એકસચેન્જ કૌભાંડ ખુલવાની વ્યાપક ચર્ચાઓ શરૂ થઇ
કોણ છે આ મનસુખ શાહ
રૂપિયા 20 લાખની લાંચ લઇ વિદ્યાર્થીને પાસ કરી આપવાના કૌભાંડના મુખ્ય આરોપી મનસુખ શાહની કારકિર્દી ડેન્ટીસ્ટની પ્રેક્ટીસ થી શરુ થઇ હતી. જયારે માત્ર 15 વર્ષમાં કોલેજના માકિલ બની અને કરોડોનો વેપલો ચલાવવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું છે. વાઘોડિયામાં વિદ્યાપીઠ નામે લક્ષ્મીપીઠ ચલાવતા સુમનદીપ વિદ્યાપીઠના ચેરમેન ડો. મનસુખ શાહે અમદાવાદથી ડેન્ટીસ્ટનો અભ્યાસ કર્યો હતો. 1990માં વડોદરાના રાવપુરા પાસે ડેન્ટીસ્ટ હોસ્પિટલ શરુ કરી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ રાજકીય પીઠબળથી વાઘોડિયાના પીપળિયા ગામે ધીરજ હોસ્પિટલની સ્થાપના કરી હતી. ત્યાર બાદ ધીમે ધીમે હોસ્પિટલની જમીનનું વિસ્તરણ હારી અને વર્ષ 1999માં ડેન્ટલ કોલેજની પરવાનગી મેળવી હતી. ડેન્ટલ કોલેજની પરવાનગી મેળવ્યા બાદ ગુજરાત સરકારનો ચંચુપાત ન રહે તે માટે ડીમ યુનિવર્સિટી બનાવી હતી અને વર્ષ 2003માં મેડીકલ કોલેજની સ્થાપના કરી હતી. MCIના વિવાદિત કેતન દેસાઈ સાથેના સારા સબંધોથી ગુજરાતની પ્રથમ સેલ્ફ ફાઈનાન્સ કોલેજનો દરજ્જો મેળવ્યો હતો. વર્ષ 2006માં મેડીકલ કોલેજને યુનીવર્સીટીનો દરજ્જો મળ્યો હતો. જયારે જોત જોતામાં તબક્કાવાર ફિઝીયોથેરાપી સહીત અનેક મેડીકલ કોર્સની લગભગ 8 જેટલી કોલેજની શ્રુંખલા ઉભી કરી દેવામાં આવી હતી. ડો. મનસુખ શાહ અને તેના પુત્ર ડો.દીક્ષિત શાહ દ્વારા સમગ્ર યુનિવર્સિટીનું સંચાલન કરવામાં આવે છે જયારે મેડીકલની 150 જેટલી બેઠકો પૈકી માત્ર 50 ટકા બેઠકો જ એન્ટરન્સ ટેસ્ટના આધારે ભરવામાં આવે છે. બાકીની 50 ટકા બેઠકો સંચાલકો જાતે ડોનેશન લઇને બેઠકો ભરે છે. ડોનેશનના કળા કામ માટે કોલેજથી દુર વાઘોડિયા રોડ વિસ્તારની કલ્યાણ નગર સોસાયટીમાં અનેક મકાનો ભાડે રાખવામાં આવ્યા છે જે સ્થાનને કલેક્શન સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે હૈ સિક્યુરીટી વચ્ચે અહી ફી ની રકમ અને ડોનેશની રકમ સ્વીકારવામાં આવતી હતી જ્યાં પ્રવેશતા વાલીઓ અને વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન લઈને પ્રવેશવાની મનાઈ હતી. જેથી કલેક્શન સેન્ટરમાં થતા કળા કામોનો પર્દાફાશ ન થાય. 20 લાખની લાંચ પ્રકરણમાં રૂપિયા સ્વીકારતા ડો.મનસુખ શાહના બે માણસો અહીંથી જ ઝડપાયા હતા. ડો. મનસુખ શાહ સામે ભૂતકાળમાં શહેરના વિવિધ પોલીસ મથકોમાં છેતરપિંડીની પણ ફરિયાદો નોંધાઇ છે. રૂપિયા 20 લાખની લાંચના કેસમાં સંડોવાયેલ ડો. મનસુખ શાહ અંગે તટસ્થ અને ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌંભાડ બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.