કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને માજી સાંસદ રાહુલ ગાંધી સોમવારે સુરત આવશે. માનહાનિના કેસમાં થયેલ બે વર્ષની સજા અને માનહાનિના નિર્ણયને પડકારવા સુરતની સેશન્સ કોર્ટમાં નિષ્ણાત વકીલોની ફોજ સાથે રાહુલ ગાંધી સુરત આવશે. આથી વડોદરામાં શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પણ સુરત જવા માટે રવાના થયા છે. આ પહેલા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ ‘રાહુલ ગાંધી જિંદાબાદ’, ‘ભાજપ તેરે અચ્છે દિન, જનતા તેરે બુરે દિન’ જેવા સૂત્રોચ્ચાર કરી ભાજપ સામે વિરોધ દાખવ્યો હતો.
સત્ય હેરાન થાય છે, પરંતુ જીત સત્યની જ થાય છે: કોંગ્રેસ
માહિતી મુજબ, વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલા કોંગ્રેસ કાર્યલયથી કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોશીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ખાનગી બસમાં સુરત જવા રવાના થયા છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોશીએ કહ્યું કે, સત્ય હેરાન થાય છે, પરંતુ જીત હંમેશા સત્યની જ થાય છે. તેમણે કહ્યું કે, હાલ દેશમાં જે માહોલ છે તે લોકશાહી માટે ખતરા સમાન છે. અમારા નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કેન્દ્ર સરકારને મોંઘવારી અને દેશમાં થઈ રહેલા કૌભાંડો અંગે સવાલ પૂછ્યા પરંતુ સરકારે પ્રશ્નોના જવાબ ન આપ્યા. તેમણે વધુમાં કહ્યું કે, હાલ દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. સામાન્ય જનતા પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરૂરી તમામ ચીજ-વસ્તુઓના ભાવ વધારા સામે ઝઝૂમી રહી છે. કોંગ્રેસ પણ સામાન્ય જનતાની સાથે છે પરંતુ, કોંગ્રેસના અવાજને દબાવવામાં આવી રહ્યો છે.
દેશભરમાંથી કોંગ્રેસ નેતા, કાર્યકર્તા સુરત જશે
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, “ડરો મત”ના નારા સાથે કોંગ્રેસ દેશના લોકો માટે હંમેશાં લડતી રહેશે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી પોતાની લીગલ ટીમ સાથે આજે સુરતની સેશન્સ કોર્ટ ખાતે આવવાના છે. આથી સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાહુલ ગાંધીને સમર્થન આપવા સુરત જઈ રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાંથી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સુરત જઈ રહ્યા છે. આ માટે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોમવારે સુરતમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવવાના હોવાથી નેશનલ હાઇવે પર સુરત પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જાણો શું છે સમગ્ર મામલો?
જણાવી દઈએ કે, લોકસભા-2019ની ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં પોતાના એક ભાષણમાં રાહુલ ગાંધીએ ‘મોદી’ અટક અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ મામલે સુરતની નામદાર કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ હેઠળ રાહુલ ગાંધીને કોર્ટે બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો. જો કે, કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને જામીન પણ મળી ગયા હતા. પરંતુ, આ સજા બાદ તેમનું સંસદ સભ્ય પદ રદ થઈ ગયું હતું. ત્યારે હવે રાહુલ ગાંધી હાઈકોર્ટ જવાને બદલે સુરતની સેશન્સ કોર્ટમાં માનહાનિના નિર્ણયને પડકારશે.