અનંતનાગ/શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાએ ગયેલા વલસાડના શ્રદ્ધાળુની બસ પર દસમી જુલાઇએ થયેલા હુમલાના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ (સિટ)ના અધિકારીઓએ ત્રણની ધરપકડ કરી હતી.
શ્રદ્ધાળુઓની બસ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં લશ્કરે તૈયબાનો હાથ હોવાનું ખૂલ્યું છે. આ હુમલામાં સામેલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હોવાનું જમ્મુ-કાશ્મીર પોલીસના આઇજી મુનીર ખાને રવિવારે જણાવ્યું હતું.
હુમલામાં સામેલ અન્ય લોકોની ઓળખ થઈ છે. અનંતનાગમાં દસમી જુલાઇની રાતે વલસાડના યાત્રાળુઓની બસ પર આતંકવાદી હુમલામાં પાંચ મહિલા સહિત સાત યાત્રાળુનાં મોત થયા હતાં. જ્યારે ૧૫ યાત્રાળુને ઇજા થઇ હતી.
કાશ્મીરના આઇજી મુનીર ખાને આયોજિત કરેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કરનો આતંકી અબુ ઇસ્માઇલ હતો.
ષડ્યંત્રમાં પાકિસ્તાની આતંકવાદી સાથે સ્થાનિકો પણ સામેલ હોવાનું આઇજી મુનીર ખાને કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે અમરનાથ હુમલામાં આતંકવાદી ઇસ્માઇલની સાથે બે પાકિસ્તાની આતંકવાદી અને સ્થાનિક આતંકવાદીઓએ મદદ કરી હતી. એ લોકોએ આ કાવતરાને સફળ બનાવવામાં મદદ કરી અને તેમના ગાઇડ તરીકે કામ કર્યું તેની ઓળખ મેળવાઇ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં લશ્કરના બે આતંકવાદીઓને થોડા સમય પહેલાં ઠાર કરવામાં આવ્યા હતા તે સમયે તેમની આ હુમલામાં કોઈ ભાગ ભજવ્યો હતો કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
ગાડીઓ પર હુમલા માટે કૉડવર્ડ હતો તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં પકડવામાં આવેલા ત્રણ શકમંદે પૂછપરછમાં અનેક રહસ્યની માહિતી મળી છે. પહેલાં હુમલો નવમી જુલાઈએ કરવાનું અબુ ઇસ્માઇલની આગેવાનીવાળા આતંકવાદીઓએ નક્કી કર્યું હતું પણ ભારે સલામતી બંદોબસ્તના કારણે તેઓ હતાશ થઈ ગયા હતા. તે દિવસે સીઆરપીએફ કે અન્ય કોઈ યાત્રાળુના વાહન અલગ જોવા મળ્યા ન હતા.
શ્રદ્ધાળુઓના વાહન માટે તેઓ ‘શૌકત’ શબ્દનો જ્યારે સીઆરપીએફના વાહન માટે ’બિલાલ’ શબ્દનો કૉડ તરીકે ઉપયોગ કરતા હતા. એ આતંકવાદીઓનું કૃત્ય હતું તે દિવસે યાત્રાળુઓની બસ હોવાથી તેમણે તેના પર હુમલો કર્યો હતો. જો સીઆરપીએફનું વાહન પસાર થયું હોય તો તેના પર હુમલો કર્યો હોત.
મુનીર ખાને વધુમાં જણાવ્યું હતું કે શકમંદની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે અબુ ઇસ્માઇલ અને યાવરના ફોટા જારી કર્યા છે.
અમે તે લોકોની ઘણાં નજીક છીએ. આશા છે કે ટૂંક સમયમાં આતંકવાદીઓને નિષ્ફળ બનાવાશે. આ આજે નહીં તો કાલે થશે જરૂર.
દસમી જુલાઇના હુમલામાં છ મહિલા સહિત કુલ સાતનાં મોત નીપજ્યાં હતાં. ૧૯ને ઈજા થઈ હતી. સુરક્ષા દળોને અમરનાથ યાત્રિકો પરના હુમલામાં સ્થાનિક આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદીનનો સાથ મળ્યો હોવાના પુરાવા મળ્યાં હતા. આતંકવાદી હુમલા માટે બે સંગઠને એકબીજા સાથે હાથ મિલાવ્યા હોય એવું પહેલીવાર જોવા મળ્યું છે. પહેલી વાર લશ્કરે તૈયબાને હુમલા માટે સ્થાનિકોએ મદદ કરી હોવાના સબૂત મળ્યા હતાં.
આ પહેલાં કરવામાં આવેલા હુમલામાં ફક્ત લશ્કરનો જ હાથ હતો. હિઝબુલ મુજાહિદીન અમરનાથ યાત્રિકોને કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડવાના વિરોધમાં હતા.