વલસાડઃ તા.૦૫: વલસાડ જિલ્લાના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી નિમિત્તે રામવાડી સ્વામીનારાયણ સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે નારણલાલા કૉલેજના આસી. પ્રોફેસર અંકિતા લીનવાલાએ ‘કનેક્ટિંગ પીપલ વીથ નેચર; વિષય ઉપર વ્યાખ્યાન આપી વિજ્ઞાન આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી બની રહે છે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના શ્રી વી.બી.રાયગાંવકરે પર્યાવરણ દિવસનું મહત્ત્વ સમજાવી દરેકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે લેડી વિલ્સન મ્યુઝિયમના કયુરેટર, સ્વામીશ્રી હરિવલ્લભજી, શાળાના શિક્ષકગણ, બાળકો, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શ્રી મોરારજી દેસાઇ હોલ ખાતે ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સી.આર.ખરસાણ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી સહિત અને સભ્યો, વેપારીઓ, નગરજનો, મોટી સંખ્યામાં જોડાઇને મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમ બાદ સૌએ સ્વચ્છતા અભિયાનના શપથ લીધા હતા તેમજ મહાનુભાવોના હસ્તે ભીના અને સૂકા કચરાની ડસ્ટબીનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ધરમપુર નગરપાલિકા દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન ચૌધરી સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.