[highlight]ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો : દક્ષિણ ગુજરાતઅને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ : વડોદરા, ભાવનગર, જામનગર, પાલીતાણા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ : જનજીવન સંપૂર્ણ ઠપ[/highlight]
વાપી :ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકના ગાળામાં ભારે વરસાદ થયોછે જેથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના વાપીમાં ૧૧ કલાકના ગાળામાં જ ૧૨ ઇંચથી વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાછે. સવારે વરસાદની શરૂઆત થયા બાદ મોડી સાંજ સુધી વરસાદ જારી રહ્યો હતો. વાહનો પાણીમાં ડુબી ગયા હતા. લોકો પણ અટવાઈ પડ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. બીજી બાજુ દમણ દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ વરસાદ પડ્યો છે. બીજી બાજુ વડોદરામાં એક કલાકના ગાળામાં બ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ગેંડાગેટ વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે નજીકમાં રહેતા પાંચ લોકોનો સહેજમાં બચાવ થયો હતો. ભાવનગરમાં એક ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે જ્યારે જામનગરમાં પોણો ઇંચ વરસાદ થયો હોવાનાઅહેવાલ મળ્યા છે. રાજપીપળા પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ થયો છે. અનેક ગામો પુરની સ્થિતિમાંઆવી ગયા છે. મકાનો અને દિવાલો પડવાના બનાવો બન્યા છે. રાજકોટથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઠેર ઠેર ચોમાસાનો માહોલ છે. છોટાઉદેપુરમાં મોસમનો કુલ વરસાદ વધીને ૧૯ ઇંચ ઉપર પહોંચી ગયો છે. આણંદના ચરોતર, સાબરકાંઠા, પાલીતાણા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ થયો છે.સુરતમાં પણ વરસાદ નોંધાયો છે. ભરુચમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો.તાપી, વાપી, દમણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજપીપળા સહિતના પંથકમાં વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે. બીજી બાજુ હવામાન વિભાગે કહ્યું છે કે, હજુ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં આજે હવામાનમાં પલટા વચ્ચે ઘણી જગ્યાએ વરસાદ જારી રહ્યો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દિવના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઇ છે. ધોધમાર વરસાદ પડતા લોકોને રાહત થઇ છે. અમદાવાદ શહેરમાં પણ મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ આજે વહેલી સવારથી જારી રહ્યો હતો. વરસાદને લઇને છેલ્લા કેટલાક દિવસથી ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. તીવ્ર ગરમીનો અનુભવ લોકો હાલ કરી રહ્યા હતા.
અમદાવાદ માટેની સ્થાનિક આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ગાજવીજ સાથે તથા પવન સાથે વરસાદનો દોર હવે જારી રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ચુક્યો છે. ઘણી જગ્યાઓએ વિજળી પડવાના બનાવો બન્યા છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. સૌથી વધુ કફોડી હાલત વાપીમાં થઇ છે જ્યાં ૧૧ કલાકના ગાળામાં જ સાડા બાર ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. સંબંધિત તંત્રના લોકો લોકોને રાહત મળે તે માટે પ્રયાસમાં લાગી ગયા છે. ઘણા ગામડાઓના સંપર્ક પણ વરસાદના કારણે તુટી ગયા છે. ભરુચ અને નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ઝાપટા પડ્યા છે. વાલિયા પંથકમાં ૨૪ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે જેના લીધે કિમ નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કપરાડામાં ચાર ઇંચ વરસાદ થયો છે. વલસાડમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે જનજીવન પણ ખોરવાયું છે. અંકલેશ્વરના કેટલાક વિસ્તારમાં વિજળી ડુલ થવાની ઘટના બની છે. નર્મદા જિલ્લાના રાજપીપળા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થતાં તારાજી સર્જાઈ છે. નાંદોદ તાલુકામાં ઓરી અને નિકોલી ગામ વચ્ચે ભારે વરસાદના લીધે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ક્યા કેટલો વરસાદ…
અમદાવાદ, તા.૨૪ : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ થયો છે. અનેક જગ્યાઓએ કલાકોના ગાળામાં જ ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. આજે પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. ક્યા કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.
સ્થળ વરસાદ (ઇંચમાં)
વાપી…………………………………………………… ૧૨.૫
વાલિયા …………………………………………………… ૬
કપરાડા…………………………………………………….. ૪
નેત્રંગ……………………………………………………….. ૩
વલસાડ……………………………………………………. ૩
વડોદરા……………………………………………………. ૨
પારડી…………………………………………………… ૧.૬
ધરમપુર……………………………………………… ૧.૨૫