વાપી પાલિકાએ નાણાકીય વર્ષ 2022-23ના અંતિમ દિવસ એવા 31 માર્ચના સુધીમાં કુલ 96 ટકાથી વધુ વસૂલાત કરી છે. વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા 31 માર્ચે વેરા વસૂલાત અભિયાન ચાલુ રાખી 7 દુકાનોને તાળા મારી રૂ.30.50 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી હતી. વર્ષ 2022-23 ના પૂરા થતા વર્ષના વેરા વસૂલાતના છેલ્લા દિવસે અભિયાનને વેગ આપી મહાત્મા ગાંધી સર્કલ પાસેના કે.પી. ટાવરની 3 દુકાનો અને સાંઇનગરમાં શાંતિ સોસાયટીમાં 4 દુકાનોને તાળા માર્યા હતા. ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ઘરવેરા વિભાગના ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર, ટેક્ષ ઈન્સ્પેકટર દીપક ચભાડીયા તથા ક્લાર્ક શશીકાંત, ઇશ્વરભાઇ, અલ્પેશ વગેરે કર્મચારીઓની ટીમે સમગ્ર માર્ચ માસ દરમ્યાન દરરોજ સઘન વેરા વસૂલાત અભિયાન ચલાવ્યું હતું. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ ના ભરતા બાકીદારોની કમર્શિયલ મિલકતોને તાળા મારવા સાથે સોસાયટીઓના નળ જોડાણ કાપવાની કાર્યવાહી કરી 31 દિવસમાં 2.86 કરોડની વસૂલાત કરી હતી. 31 માર્ચે એક જ દિવસમાં રૂ.30.50 લાખની વસૂલાત થતાં રૂ.1726.79 લાખના માંગણા સામે રૂ.1661.86 લાખની વસૂલાત થતાં વસૂલાતની ટકાવારી 96.24 ટકા રહી હતી. જેણે સમગ્ર ગુજરાતની પાલિકાઓમાં વેરા વસુલાત સંદર્ભે અગ્રેસરની પાલિકાનો દરજ્જો પ્રાપ્ત કરાવ્યો હતો.
