આ અંગે મળતી વિગત અનુસાર આણંદ પાસેના મોગરી ગામે રહેતા આનંદકુમાર કનૈયાલાલ ચૌહાણે થાઈલેન્ડ (બેંગકોક) માટે વર્ક પરમીટ (જોબ) મેળવવા વાસદના એક વ્યક્તિનો સંપર્ક કરતા તેમણે રૂા. ૫૦ ના સ્ટેમ્પ પેપર ઉપર સહી કરી તમામ જવાબદારી સ્વીકારી હતી. થાઈલેન્ડ પહોંચ્યા બાદ દર મહિને પગાર, જમવાની સુવિધા સહિતની જવાબદારીએ બાંહેધરીમાં સ્વીકારી રૂા. ૨ લાખનો ચેક તા. ૪-૮-૨૦૧૫ અને રૂા. ૧ લાખની રકમ તા. ૨૭-૮-૨૦૧૫એ આપેલ હતી. તે પછી રૂા. ૪૯૮૦૦ અન્ય ખર્ચના અને રૂા. ૨૩,૬૩૩ બુકિંગના મળી કુલ રૂા. ૩,૭૩,૪૩૬ લીધા હતાં.
તે પછી તા. ૨૯-૯-૨૦૧૫ એ અમદાવાદથી થાઈલેન્ડ લઈ ગયા હતાં. જ્યાં નક્કી કરેલ જગ્યાએ લઈ જવાને બદલે અન્ય હોટલમાં ઉતારો આપ્યો હતો અને કહ્યું કે, હાલ બૂટ બનાવવાની કંપનીમાં જોબ નથી એટલે બીજી જોબ આપીશું પણ તેમ નહીં થતા બે દિવસ બાદ પરત ભારત ફરવા કહ્યું હતું. રીટર્ન ટિકિટ તા. ૧૩-૧૦-૨૦૧૫ ની લીધી હતી પણ તા. ૪-૧૦-૨૦૧૫ એ જ બેંગકોકથી કોલકત્તા થઈ અમદાવાદ પરત લાવ્યા હતાં. આમ ભારે હેરાનગતિ કરી રકમ પડાવી લઈ વિશ્વાસઘાત કર્યો હતો. તે પછી વાસદના એ એજન્ટે રૂા. ૨.૫૦ લાખનો ચેક તા. ૮-૧-૨૦૧૬નો આપ્યો હતો. તે પણ બેલેન્સ ન હોઈ પરત ફર્યો હતો. આ અંગેની ફરિયાદ આણંદની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં થતાં વાસદના એજન્ટને નોટીસ આપવામાં આવી હતી. પરંતુ તેણે કોઈ જવાબ આપેલ નહીં કે, હાજર રહ્યા ન હતાં. આ સંજોગોમાં કેસ એકતરફી ચલાવીને નિર્ણય કરાયો હતો. જે કેસના અંતિમ ચુકાદામાં આણંદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે વાસદના એજન્ટને માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચના રૂા. ૨૫ હજાર ચૂકવવા ઉપરાંત રૂા. ૨.૫૦ લાખની રકમ ૯ ટકાના ચઢતા વ્યાજ સહિત ચૂકવવા હુકમ કરાયો છે.