મુંબઈ: ભારતના ઑલિમ્પિક મેડલ-વિજેતા અને પ્રોફેશનલ બૉક્સર બન્યા પછીના અગાઉના તમામ ૮ બાઉટ જીતનારા ૩૨ વર્ષીય વિજેન્દરસિંહે ગઈ કાલે અહીં વરલીમાં આયોજિત મુકાબલામાં ચીનના ૨૩ વર્ષીય ઝુલ્પિકર મૈમૈતિયાલીને રોમાંચક અને અત્યંત રસાકસીભરી પરિસ્થિતિમાં હરાવીને એકસાથે બે ટાઇટલ જીતી લીધા હતા. વિજેન્દરને ડબ્લ્યૂબીઓ એશિયા પેસિફિક સુપર મિડલવેઇટ ટાઇટલ તેમ જ ડબ્લ્યૂબીઓ ઑરિયેન્ટલ સુપર મિડલવેઇટ ટાઇટલ આપવામાં આવ્યું હતું. એ સાથે, વિજેન્દર હવે તમામ ૯ બાઉટ જીત્યો છે અને ૯-૦ના સ્કોર સાથે અપરાજિત રહ્યો છે. ૧૦ રાઉન્ડના આ મુકાબલામાં બન્નેએ એકમેકને જોરદાર લડત આપી હતી. વિજેન્દરે ચીની હરીફને કેટલાક જોરદાર પંચ લગાવ્યા હતા. વિજેન્દરને બેલ્ટની નીચે ચાર વખતથી પાંચ વખત મારીને ઝુલ્પિકર ફૉલ્ટમાં આવ્યો હતો અને એક તબક્કે તેને ગેરલાયક ઠરાવવામાં આવે એવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, વિજેન્દરે લડવાનું ચાલુ રાખવાની તૈયારી બતાવતાં ઝુલ્પિકર ડિસ્ક્વૉલિફાય થતાં બચી ગયો હતો અને વિજેન્દર છેવટે તેને હરાવીને રહ્યો હતો. દસમા રાઉન્ડ સુધીમાં બન્ને જણ ખૂબ થાકી ગયા હતા. ત્રણેય જજના આ મુજબના જજમેન્ટ હતા જે વિજેન્દરની તરફેણમાં હતા: ૯૬-૯૩, ૯૫-૯૪ અને ૯૫-૯૪. ત્રણેય જજના સર્વાનુમતને આધારે વિજેન્દરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યો હતો.
વિજેન્દર જીત્યા પછીની પરેડ કરી રહ્યો હતો ત્યારે તેના શરીર પર ઊંધો તિરંગો રાખવામાં આવ્યો હતો. જોકે, થોડી વાર પછી તિરંગો સીધી સ્થિતિમાં લાવવામાં આવ્યો હતો.
ઘણા મહિનાઓથી આ બાઉટની રાહ જોવાતી હતી અને એ જોવા આવેલી સેલિબ્રિટીઝમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, બાબા રામદેવ, અનુ મલિક તથા અન્ય ઘણી હસ્તીઓનો સમાવેશ હતો.
એ પહેલાં, સાંજે ભારતના અખિલકુમારે જુનિયર વેલ્ટરવેઇટ કૅટેગરીમાં ઑસ્ટ્રેલિયાના ટાય ગિલક્રિસ્ટને હરાવ્યો હતો. જિતેન્દરકુમારે થાનેટ લિખિત્કામ્પોર્નને હરાવીને પ્રોફેશનલ કરિયરનો વિજયીપ્રારંભ કર્યો હતો. ભારતના જ અસદ આસિફે ફિલિપીન્સના લૅરી અબામાને હરાવ્યો હતો. ભારતના જ કુલદીપ ધંદા, ધર્મેન્દ્ર ગ્રેવાલ અને પરદીપ ખરેરાએ પણ વિજય મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.