મુંબઇઃ કોરોના સંકટકાળમાં પણ ભારતીય ધનિકોનો દબદબો વધ્યો છે. ફોર્બ્સ મેગેઝિનના અહેવાલ મુજબ મુજબ દુનિયામાં અમેરિકા અન ચીન બાદ સૌથી વધુ અબજોપતિ ભારતમાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી એ ચીનની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અલીબાબાના માલિક જેક-માને પછાડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકેનું સ્થાન ફરી હાંસલ કરી લીધુ છે. ફોર્બ્સ મેગેઝિનના દ્વારા દુનિયાના અબજોપતિઓની 35મી વાર્ષિક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં એમેઝોનના સીઇઓ અને સ્થાપક જેફ બેઝોસ સતત ચોથા વર્ષે ટોચ ઉપર રહીને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
ફોર્બ્સ મેગેઝિન એ કહ્યુ કે, સમગ્ર દુનિયામાં અમેરિકામાં સૌથી વધારે 724 અબજોપતિ છે. ત્યારબાદ 698 અબજોપતિ સાથે ચીન બીજા ક્રમે અને ભારત 140 અબજોપતિ સાથે ત્રીજા સ્થાન પર છે. ત્યારબાદ સૌથી વધુ ધનિકોના મામલે જર્મની અને રશિયાનો નંબર આવે છે.
ફોર્બ્સ મેગેઝિન એ કહ્યુ કે, જેફ બેજોઝની ચોખ્ખી સંપત્તિ 177 અબજ ડોલર છે, જે એક વર્ષ પહેલા 64 અબજ ડોલર હતી. આ યાદીમાં બીજા ક્રમે સ્પેસએક્સ કંપનીના માલિક એલન મસ્ક છે, જેમની સંપત્તિ ડોલરની રીતે સૌથી વધુ વધી છે. એલન મસ્કની કુલ સંપત્તિ પાછલા વર્ષના 126.4 અબજ ડોલરથી વધીને 151 અબજ ડોલરે પહોંચી ગઇ છે. પાછલા વર્ષે તે 24.6 અબજ ડોલરની સાથે આ યાદીમાં 31માં ક્રમે હતા. એલન મસ્કની સંપત્તિમાં વધારો થવાનું કારણ ટેસ્લા કંપનીના શેરમાં 705 ટકાનો જંગી વધારો છે.
ભારત અને એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને વૈશ્વિક અબજોપતિની યાદીમાં 10મો ક્રમ મળ્યો છે. તેમણે 84.5 અબજ અમેરિકન ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકેનું સ્થાન ફરી હાંસલ કરી લીધુ છે. પાછલા વર્ષે ચીનના જેક-મા એશિયાના સૌથી મોટા ધનિક હતા. આ યાદીમાં જેક-મા પાછલા વર્ષના 17માં ક્રમે પીછેહઠ કરીને આ વર્ષે 26માં ક્રમે આવી ગયા છે.
ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ અદાણી ગ્રૂપના માલિક ગૌત્તમ અદાણી 50.5 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અબજોપતિની યાદીમાં 24માં ક્રમે આવી ગયા છે. એચસીએલ ટેકનોલોજીના સ્થાપક શિવ નાડાર, ભારતના ત્રીજા સૌથી મોટા ધનિક વ્યક્તિ છે અને વૈશ્વિક યાદીમાં 71માં સ્થાન પર છે. તેમની કૂલ સંપત્તિ 23.6 અબજ ડોલર છે.