મુંબઇઃ વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડોની વર્ષ 2021ની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં લોકપ્રિય ચાઇનીઝ મોબાઇલ એપ Wechat એ નંબર-1 સ્થાન હાંસલ કર્યુ છે. તો ટોપ-5માં માત્ર એક ભારતીય કંપની સ્થાન મેળવવામાં સફળ થઇ છે અને તે છે ભારતના સૌથી મોટા ધનવાન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો.
બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટ-2021ની યાદીમાં ચીનની લોકપ્રીય મોબાઇલ એપ Wechat કંપનીએ વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડમાં નંબર-1 સ્થાન હાંસલ કર્યુ છે. તેનો બ્રાન્ડ સ્ટ્રેંગ્થ ઇન્ડેક્સ (BSI) 100માંથી 95.4 પોઇન્ટ આવ્યો અને તેણે AAA+ રેટિંગ મેળવ્યુ છે. વર્ષ 2020માં તેની બ્રાન્ડ વેલ્યૂ 25 ટકા વધીને 67.9 અબજ ડોલર થઇ છે અને આ રેન્કિંગમાં 9 ક્રમની છલાંગ લગાવી ટોપ-10માં પહેલુ સ્થાન હાંસલ કર્યુ છે. ત્યારબાદ આ યાદીમાં બીજા ક્રમે દિગ્ગજ ઓટો ફેરારી નંબર-2 સ્થાન મેળવ્યુ છે. તો રશિયન બેન્ક Sber અને કોકો-કોલો અનુક્રમે દુનિયાની ત્રીજી અને ચોથી સૌથી મજબૂત બ્રાન્ડ છે.
ટોપ-5માં માત્ર એક ભારતીય કંપની- રિલાયન્સ Jio
વર્ષ 2021ની આ યાદીમાં ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિકી મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ Jioએ મોટી છલાંગ મારી છે અને આ યાદીમાં ટોપ-5માં 5મું સ્થાન હાંસલ કર્યુ છે. બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ-500ની યાદીમાં, દુનિયાની સૌથી મજબૂત બ્રાન્ડને રેન્કિંગ આપવામાં આવે છે. આ વખતે એપલ, એમેઝોન, અલીબાબા અને પેપ્સી જેવી દિગ્ગજ કંપનીઓને રિલાયન્સ Jioએ પાછળ છોડી દીધી છે. દુનિયાની સૌથી મજબૂત ટોપ-10 ગ્લોબ્લ બ્રાન્ડ્સમાં સ્થાન મેળવનાર ભારતીય કંપનીઓ રિલાયન્સ Jio એક માત્ર છે. બ્રાન્ડની મજબૂતીના મામલે રિલાયન્સ Jioએ 100માંથી 91.7 બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI) પોઇન્ટ અને AAA+નો રેન્ક હાંસલ કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, રિલાયન્સ જિયોનો ગ્લોબલ બ્રાન્ડ ફાઇનાન્સ સ્ટ્રેન્થની યાદીમાં પ્રથમ વખત સમાવેળ કરાયો છે અને ટોપ-5માં 5મો ક્રમ હાંસલ કર્યો છે.