દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. આ વખતે દિલ્હીના મુખ્યમંત્રીએ રેલ્વે મુસાફરીમાં વૃદ્ધોને આપવામાં આવેલી છૂટને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. તેમણે આ છૂટને સમાપ્ત કરવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. આ પહેલા સીએમ કેજરીવાલે દિલ્હીના બજેટને લઈને પીએમ મોદીને પત્ર લખ્યો હતો.
અરવિંદ કેજરીવાલે લખ્યું, “છેલ્લા ઘણા વર્ષોથી દેશના વૃદ્ધોને રેલ મુસાફરીમાં 50 ટકા સુધીની છૂટ મળી રહી હતી. દેશના કરોડો વૃદ્ધોને આનો લાભ મળી રહ્યો હતો. તમારી સરકારે આ છૂટ નાબૂદ કરી છે, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તાજેતરમાં જ લોકસભામાં તમારી સરકારે કહ્યું કે રેલ્વે મુસાફરીમાં વૃદ્ધોને આપવામાં આવતી રાહત બંધ કરીને વાર્ષિક 1600 કરોડ રૂપિયાની બચત થઈ રહી છે.”
‘દિલ્હી સરકાર વૃદ્ધોને તીર્થયાત્રા કરાવે છે’
દિલ્હીના વડીલોને તીર્થયાત્રા પર લઈ જવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે આપણી પ્રગતિમાં આપણા વડીલોના આશીર્વાદ હોય છે. તેમના આશીર્વાદ વિના કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ દેશ પ્રગતિ કરી શકતો નથી. જેમ કે દિલ્હીમાં, અમે વૃદ્ધોને તેમની પસંદગીના તીર્થસ્થળની મફત યાત્રા માટે લઈ જઈએ છીએ. તેનાથી વૃદ્ધોને ખુશી મળે છે. તેઓ દિલથી આપણને આશીર્વાદ આપે છે. કેજરીવાલે કહ્યું કે આ પૈસાની વાત નથી, પરંતુ ઈરાદાની વાત છે. જો દિલ્હી સરકાર પોતાના 70 હજાર કરોડના બજેટમાંથી 50 કરોડ વૃદ્ધોની યાત્રા પર ખર્ચ કરી દે છે તો દિલ્હી સરકાર ગરીબ નથી થઈ જતી.
‘રેલ ટ્રાવેલ છૂટની રકમ દરિયામાં એક ટીપાં જેવી’
આગામી વર્ષમાં કેન્દ્ર સરકાર 45 લાખ કરોડ રૂપિયા કરશે. આમાં, વૃદ્ધોની રેલ મુસાફરીમાં છૂટ પર માત્ર 1600 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. આ રકમ દરિયામાં એક ટીપા જેવી છે. આના ખર્ચ ન કરવાથી કેન્દ્ર સરકાર અમીર નહીં થઈ જાય અને ખર્ચ કરવાથી કેન્દ્ર સરકાર ગરીબ નહીં થઈ જાય, પરંતુ જ્યારે તેને અટકાવવામાં આવે છે ત્યારે આપણે આપણા વડીલોને એવી રીતે સંદેશો આપી રહ્યા છીએ કે અમને તમારી કંઈ પડી નથી. આ ખૂબ જ ખોટું અને ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. એટલા માટે હું તમને વિનંતી કરું છું કે વૃદ્ધો પ્રત્યે સંવેદનશીલતા દાખવો અને આ છૂટને વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની તકલીફ ઉઠાવો.