કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ‘મોદી સરનેમ’ કેસમાં બે વર્ષની સજાના નિર્ણયને પડકારવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી નીચલી કોર્ટના નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. આ અંગે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ ડરશે નહીં. તેઓ અમિત શાહ, મોદી સામે ઝૂકશે નહીં. તે ન્યાયતંત્ર સમક્ષ જ જશે. એક તરફ, તમે કહી રહ્યા છો કે તેમણે કોર્ટમાં જવું જોઈએ, પરંતુ જ્યારે તે જઈ રહ્યા છે, ત્યારે તેનાથી તમને તકલીફ થઈ રહી છે.”
જણાવી દઈએ કે 23 માર્ચે, સુરતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે 52 વર્ષીય ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને 2019 માં તેમની “મોદી સરનેમ” ટિપ્પણી પર તેમની સામે દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. સજા સંભળાવ્યાના બીજા જ દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
સાથે જ બંગાળમાં હિંસા પર કોંગ્રેસના સાંસદે કહ્યું, “ટીએમસી અને ભાજપ ધ્રુવીકરણની રાજનીતિ કરી રહ્યા છે અને તેના કારણે બંગાળમાં સાંપ્રદાયિક હિંસા થઈ રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ કંઈ કરવામાં આવી રહ્યું નથી.”
‘બંગાળ સાંપ્રદાયિક તણાવની પકડમાં આવી રહ્યું છે’
તેમણે કહ્યું, “બંગાળમાં ક્યારેય જાતિ અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ પર રાજકારણ થતું ન હતું. ભાજપે બંગાળમાં પોતાનો પગ જમાવવા માટે, સાંપ્રદાયિક ધ્રુવીકરણને એક સાધન બનાવ્યું અને લોકો વચ્ચેની શાંતિને ખલેલ પહોંચાડવાનું શરૂ કર્યું. ટીએમસી તેનો ફાયદો ઉઠાવતી રહી. આ બંનેને કારણે આજે બંગાળ સાંપ્રદાયિક તણાવની પકડમાં આવવા લાગ્યું છે.”
હુગલીમાં કલમ 144 લાગુ, ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લા બાદ હુગલી જિલ્લામાં રામનવમીના શોભાયાત્રા બાદ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બે જૂથો વચ્ચે અથડામણની ઘટનાને પગલે પોલીસે આ વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી છે. કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. દુકાનો બંધ છે અને વિવિધ સ્થળોએ પોલીસ દળ તૈનાત છે. આ દરમિયાન પોલીસ લોકો અને વાહનોની તપાસ કરી રહી છે.