મુંબઇઃ ભારતીય શેરબજારમાં ફરી ત્રણ દિવસની તેજીની ચાલને સપ્તાહના છેલ્લા દિવસે બ્રેક લાગી હતી. શુક્રવારે સેન્સેક્સ સુધારા 51,660ના સ્તરે ખૂલ્યા બાદ 51821ની ઇન્ટ્રા-ડે ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. પરંતુ રોકાણકારોએ જંગી વેચવાલી થી બપોર બાદ ઉંચા સ્તરેથી સેન્સેક્સ 1200થી વધુ તૂટ્યો અને 50538ની નીચી સપાટી બનાવી હતી. સેશનના અંતે સેન્સેક્સ 487 પોઇન્ટ તૂટી 50792ના સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટી 15,953ની ઇન્ટ્રા-ડે ટોચને સ્પર્શ્યા બાદ પ્રોફિટ બુકિંગના પ્રેશરમાં 14953ની નીચી સપાટીને સ્પર્શી સેશનના અંતે નિફ્ટી 144 પોઇન્ટ તૂટી 15031ના સ્તરે બંધ થયો હતો.
શુક્રવારે સેન્સેક્સના 30માંથી 26 બ્લુચિપ સ્ટોક રેડ ઝોનમાં બંધ થયા હતા. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા અને આઇસીઆઇસીઆઇ બેન્ક, મારુતિ સુઝુકી અને બજાજ ઓટો બેથી 3 ટકાના ઘટાડે ટોપ-5 લૂઝર થયા હતા. તેવી જ રીતે નિફ્ટીના 50માંથી 42 બ્લુચિપ સ્ટોક ઘટ્યા હતા.
રોકાણકારોની જંગી વેચવાલીને પગલે આજે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ હતો અને મોટાભાગના ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બધ થયા હતા. જેમાં ઓટો ઇન્ડેક્સ સૌથી વધુ 1.6 ટકા તૂટ્યો હતો. તો બેન્કેક્સ 1.3 ટકા, એનર્જી 1.4 ટકા, ફાઇનાન્સ ઇન્ડેક્સ 1 ટકા ડાઉન હતો. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે ટોચથી 1000 પોઇન્ટ ગગડ્યો અને દિવસના અંતે 1.2 ટકાની નુકસાની સાથે 35496ના સ્તરે બંધ થયો હતો. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ પણ સેશન દરમિયાન આજે 1.7 ટકા ખાબક્યો હતો. શુક્રવારે બીએસઇના 1352 કંપનીના શેરની કિંમત વધી હતી જેની સામે 1656 શેરની કિંમત ઘટતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. સેશનના અંતે બીએસઇની કુલ માર્કેટવેલ્યૂએશન 207.89 લાખ કરોડ રૂપિયા રહી હતી