મુંબઇઃ નવા સપ્તાહની શરૂઆત ભારતીય શેરબજારમાં મોટા કડાકા સાથે નિરાશાજનક રહી છે. ભારે વેચવાલીના દબાણથી ભારતીય શેરબજારમાં કામકાજ દરમિયાન 900 પોઇન્ટથી વધુનો કડાકો બોલાયો હતો. શેરબજારના આજના કડાકા પાછળ સ્થાનિક અને બાહ્ય પરિબળો જવાબદાર છે.
આજે સોમવારે સેન્સેક્સમાં પાછલા ક્લોઝિંગ લેવલથી નેગેટિવ ઓપનિંગ બાદ પ્રોફિટ બુકિંગના ભારે પ્રેશરથી સેશન દરમિયાન 990 પોઇન્ટના કડાકામાં 49,799ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો જે છેલ્લા બે સપ્તાહની બોટમ છે. અલબત્ત કામકાજના છેલ્લા કલાકમાં રિકવર આવતા સેન્સેક્સ અંતે 397 પોઇન્ટના ઘટાડે 50395ના સ્તરે બંધ થયો હતો. તેવી જ રીતે નિફ્ટી 14745 ઇન્ટ્રા-ડે બોટમને સ્પર્શયા બાદ સેશનના અંતે 101 પોઇન્ટના ઘટાડે 14929ના સ્તરે બંધ રહ્યો હતો.
આજે સેન્સેકસના 30માંથી 18 બ્લુચિપ સ્ટોક ડાઉન હતા. જેમાં બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરના સ્ટોક સૌથી વધારે તૂટ્યા હતા. તો બેન્ચમાર્ક નિફ્ટી-50 ઇન્ડેક્સના 50માંથી 27 શેર ઘટ્યા હતા. આજે બેન્કિંગ અને ફાઇનાન્સ સ્ટોકમાં જંગી વેચવાલીથી બેન્ક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ 1000નો ઇન્ટ્રા-ડે કડાકો બોલાયો હતો સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં એનર્જી ઇન્ડેક્સ 1.2 ટકા, ફાઇનાન્સ, હેલ્થકેર અને બેન્કેક્સ ઇન્ડેક્સ 1 ટકાની આસપાસ ડાઉન હતા. તો સામે મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ દોઢ ટકા વધ્યો હતો. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં બીએસઇ ખાતે આજે 1224 શેર વધીને જ્યારે 1831 કંપનીના શેર ઘટીને બંધ થયા હતા.
કડાકાથી આજે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 1 લાખ કરોડનું નુકસાન થયુ અને બીએસઇની માર્કેટકેપ ઘટીને 206.88 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકાના મુખ્ય કારણો
- જાન્યુઆરીનો નકારાત્મક ઔદ્યોગિક વૃદ્ધિદર
- ફેબ્રુઆરીમાં 27 મહિનાની ટોચે પહોંચેલ મોંઘવારી દર
- અમેરિકન બોન્ડની યીલ્ડમાં વધારો
- ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો
- નિફ્ટીએ સપોર્ટ લેવલ તોડ્યુ, ટેકનિકલ ચાર્ટ પર કરેક્શનના સંકેત