મુંબઇઃ ભારતીય શેરબજાર 50,000ની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યા બાદ સતત ઘટી રહ્યુ છે અને છેલ્લા પાંચ સેશનમાં સેન્સેક્સ 3000 પોઇન્ટથી વધુ તૂટીને આજે ગુરૂવારે વર્ષ 2021માં પ્રથમવારે 47,000ની સપાટીની નીચે બંધ આવ્યો છે. યુનિયન બજેટ પૂર્વે ભારતીય શેરબજારમાં આટલા જંગી ઘટાડાથી રોકાણકારોની ચિંતા વધી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, આગામી 1લી ફેબ્રુઆરીના રોજ સંસદમાં નાણાંકીય વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ થશે.
આજે ગુરુવારના રોજ સેન્સેક્સ 535 પોઇન્ટના કડાકામાં 46,874ના સ્તરે બંધ રહ્યો છે. ચાલુ મહિનાની સૌથી નીચી સપાટી છે. તો બેન્ચમાર્ક નિફ્ટી 150 પોઇન્ટ તૂટીને 13817ના સ્તરે બંધ આવ્યો છે. આમ ભારતીય શેરબજાર સતત પાંચમાં દિવસે ઘટ્યુ છે અને આ દરમિયાન સેન્સેક્સમાં 3000 પોઇન્ટથી વધુનું ધોવાણ થયુ છે તેમજ રોકાણકારોની 10 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધોવાઇ ગઇ છે. આજે બીએસઇની માર્કેટકેપ ઘટીને 188.13 લાખ કરોડ રૂપિયા રહી હતી.
આજે સેન્સેક્સના 30માંથી 21 બ્લુચિપ સ્ટોક ઘટ્યા હતા જેમાં કોટક બેન્ક, પાવરગ્રીડ, એચડીએફસી બેન્ક, મારુતિ સુઝુકી અને હિન્દુસ્તાન યુનિલિવરનો શેર સવા બેથી 3.7 ટકાના ઘટાડે ટોપ-5 લૂઝર હતા. તો સામે એક્સિસ બેન્ક, એસબીઆઇ, ઓએનજીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર પોણાથી 6.2 ટકાના સુધારે ટોપ-5 ગેઇનર હતા.