કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમનું લોકસભાનું સભ્યપદ રદ થયા પછી પહેલીવાર મંગળવારે કેરળમાં તેમના પૂર્વ મતવિસ્તાર વાયનાડ જશે. તેમની મુલાકાત દરમિયાન રાહુલ જનસભાને સંબોધશે અને રોડ શો કરશે. રાહુલની સાથે તેમની બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હશે, જેઓ છેલ્લે 2019માં પ્રચાર માટે અહીં આવ્યા હતા.
વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવશે
રાહુલ ગાંધીની આ મુલાકાતને વાયનાડમાં કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે. રાહુલના સ્વાગત માટે કોંગ્રેસે જોરદાર તૈયારીઓ કરી છે. રાહુલ ગાંધી કન્નુર એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા વાયનાડ જિલ્લાના જિલ્લા મુખ્યાલય કાલપેટ્ટા પહોંચશે. અહીં એક વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવશે. આ પછી સાંજે જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવશે.
રેલીમાં ત્રિરંગો રાખવા પાછળનું કારણ શું છે?
સાથે જ બપોરે 3 કલાકે રોડ શો પણ કાઢવામાં આવશે. તેમાં કોંગ્રેસના સહયોગી IUML અને RSPના નેતાઓ પણ સામેલ થશે. આ રોડ શો દરમિયાન માત્ર ત્રિરંગો જ જોવા મળશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીના 2019ના ચૂંટણી પ્રચાર દરમિયાન IUMLના લીલી ઝંડાને લઈને વિવાદ થયો હતો, તેથી આ વખતે રેલીમાં માત્ર ત્રિરંગાને જ સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાયનાડ સીટ જીતીને રાહુલ સંસદમાં પહોંચ્યા હતા
ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ જીતીને સંસદમાં પહોંચ્યા હતા. હવે માનહાનિના કેસમાં તેમનું સંસદ સભ્યપદ છીનવાઈ ગયું છે, આવી સ્થિતિમાં વાયનાડ બેઠક પર ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાઈ શકે છે. રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પર ચાર લાખથી વધુ મતોથી જીત મેળવી હતી.