● રવિવારે 67789 કેસો આવ્યા, 71564 દર્દીઓ સાજા થયા અને 813 ના મોત થયા
● અત્યાર સુધી 61.46 લાખ દર્દીઓ સાજા થયા, 8.61 લાખ દર્દીઓ સારવાર હેઠળ
દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 71 લાખને વટાવી ગઈ છે. ગત રવિવારે 67,789 કેસ આવ્યા. જે સતત દસમો દિવસ હતો કે જ્યારે નવા કેસોની સંખ્યા 80,000 થી ઓછી હતી. રાહતની વાત એ પણ છે કે સંક્રમિતોથી વધારે 71,564 દર્દીઓ સાજા થયા. રિકવરી રેટ વધવાથી એક્ટિવ કેસોની સંખ્યા ઓછી થઈ રહી છે. છેલ્લા 26 દિવસોમાં તેમાં 15% નો ઘટાડો થયો છે. જે 16 સપ્ટેમ્બરના રોજ 10.17 લાખની ટોચ પર હતો, જે હવે ઘટીને 8.61 લાખ પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને સોશિયલ મીડિયા પર તેમના 5માં રવિવારના સંવાદમાં લોકોને કેટલીક માહિતી અને કેટલીક સૂચનાઓ આપી હતી. એમને કહ્યું કે….
1) તહેવાર અને ઠંડા વાતાવરણમાં સંક્રમણ ફેલાવાની ગતિ ફરી વધી શકે છે. નાની બેદરકારી ભારે પડી શકે છે. આવા સમયે બધાએ સાવધ રહેવું પડશે.
2) તમે તેને મારી ચેતવણી અથવા સલાહ તરીકે લઈ શકો છો, પરંતુ જો આપણે તહેવારો દરમિયાન બેદરકારીથી વર્તીશું, તો કોરોના ફરી વિકરાળ બની જશે. તેથી હું કહીશ કે તહેવારો દરમિયાન એકબીજાથી અંતર અને માસ્કના નિયમોનું પાલન જરૂરી છે. બહાર જવાને બદલે ઘરે રહીને તહેવારની ઉજવણી કરો.
3) વૈજ્ઞાનિકોની એક ઉચ્ચ કમિટી દેશમાં કોરોના રસી પર કામ કરી રહી છે. જુલાઈ સુધીમાં આ રસી ઘરેલુ સ્તર પર મળી રહે તેવી આશા છે. સરકાર સૌને રસી ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. શરૂઆતમાં તે વધુ જરૂરીયાતમંદોને આપવામાં આવશે.
કોરોના અપડેટ :
– દિલ્હી સરકારે રાજ્યમાં 31 ઓક્ટોમ્બર સુધી મેળાઓ, સમારોહ, ફૂડ સ્ટોલ્સ, રેલીઓ અને પ્રદર્શનો યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે. સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
– ઉત્તર પ્રદેશ સરકારે તહેવારની આ સિઝન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કન્ટેન્ટ ઝોનમાં તહેવારને લગતી કોઈ ઇવેન્ટ યોજાશે નહીં. કન્ટેન્ટ ઝોનમાં આવતાં લોકો કોઈ પ્રોગ્રામ કરી શકશે નહિ અને કોઈ કાર્યક્રમમાં ભાગ પણ નહીં લઈ શકે.