મુંબઇઃ સોનાના ભાવ હાલ ઐતિહાસિક ઉંચી સપાટીથી નોંધપાત્ર ઘટી જતા લોકોને ફરી એકવાર સસ્તુ સોનું ખરીદવાની તક મળી છે. નવા સપ્તાહના પ્રથમ દિવસે પણ ભારતીય બજારોમાં સોનાના ભાવ ઘટ્યા પરંતુ ચાંદીની કિંમતો વધી હતી.
આજે સોમવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાના ભાવ 122 રૂપિયા ઘટ્યા હતા અને પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 44,114 રૂપિયા થઇ હતી. તો ચાંદીની કિંમત 587 રૂપિયા વધીને પ્રતિ એક કિગ્રા દીઠ 65,534 રૂપિયા થઇ હતી. જ્યારે પાછલા સપ્તાહે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 44,236 રૂપિયા અને ચાંદીની કિંમત 64,947 રૂપિયા પ્રતિ એક કિગ્રા હતી.
ભારતના અન્ય ઝવેરી બજારોની વાત કરીયે તો અમદાવાદના ઝવેરી માર્કેટમાં આજે સોનું 200 ઘટ્યુ અને પ્રતિ 10 ગ્રામની કિંમત 46,300 રૂપિયા થઇ હતી. તો ચાંદીના ભાવમાં આજે 1000 રૂપિયા વધીને પ્રતિ એક કિગ્રા દીઠ 67,500 રૂપિયા થયા હતા.
વૈશ્વિક બુલિયન બજારની નરમાઇના પગલે ભારતીય બજારમાં પણ સોનાના ભાવ ઘટી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું 1700 ડોલર પ્રતિ ટ્રોયની આસપાસ મક્કમતા સાથે ટકેલી છે. જો કે ચાંદીમાં એકંદરે નરમાઇનો માહોલ છે અને તે 25.32 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ હતી. પીળી કિંમતી ધાતુ સોનાના ભાવ ઘટવાનું મુખ્ય કારણ અમેરિકન બોન્ડની યીલ્ડમાં વૃદ્ધિ છે જેના કારણે રોકાણકારો શેરબજાર અને બુલિયનની તુલનાએ વધારે રિટર્ન આપતા સ્ત્રોતમાં રોકાણ કરી રહ્યા છે.