જીએસટી પ્રથમ રિટર્ન ફાઈલીંગથી અત્યાર સુધી ૧૦ લાખ કરદાતાઓએ રિટર્ન દાખલ કર્યું ૨૦ લાખે લોગઈન કર્યું : ૬૦ લાખ રિટર્ન્સની શક્યતા
GST લાગુ કર્યાના પ્રથમ મહિનામાં ફાઇલ થયેલાં રિટર્ન્સ પ્રમાણે સરકારને અત્યાર સુધીમાં ૪૨,૦૦૦ કરોડ રૃપિયાની આવક તો થઈ ચૂકી છે અને આ સપ્તાહના અંતે રિટર્ન્સ ફાઇલ કરવાની સાઇકલ સમાપ્ત થાય ત્યાં સુધીમાં આ આંકડો હજી વધશે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે આશરે ૧૫,૦૦૦ કરોડ રૃપિયા માલની આંતરરાજય હેરફેર પર લાદવામાં આવેલા ઇન્ટિગ્રેટેડ GST રૃપે અને બીજા ૫૦૦૦ કરોડ રૃપિયા કાર્સ અને તમાકુ જેવા બિનપ્રોત્સાહક માલ પરની સેસ દ્વારા પ્રાપ્ત થયા છે. બાકીના ૨૨,૦૦૦ કરોડ સેન્ટ્રલ GST અને સ્ટેટ GST રૃપે પ્રાપ્ત થયા છે, જેની કેન્દ્ર સરકાર અને રાજય સરકાર વચ્ચે સમાન ભાગે વહેંચણી થશે. ગઈ કાલે સવાર સુધીમાં ૪૨,૦૦૦ કરોડ રૃપિયા જમા થયા હતા એમ અધિકારીએ જણાવ્યું હતું.
અત્યાર સુધીમાં ૧૦ લાખ કરદાતાઓએ ટેકસ રિટર્ન્સ ફાઇલ કર્યો છે અને રિટર્ન્સ ફોર્મ્સ સેવ કર્યો છે. કોમ્પ્લાયન્સનું પ્રમાણ અમે ૯૦-૯૫ ટકા જોઈ રહ્યા છીએ અને કરદાતાઓ રિટર્ન્સે ફાઇલ કરશે અને વેરાની ચૂકવણી કરશે એવું અધિકારીએ જણાવ્યું હતું. પ્રથમ મહિનાનાં રિટર્ન્સ ફાઇલ કરવા માટેની તારીખ લંબાવીને ૨૫ ઓગસ્ટ કરવામાં આવી છે, કારણ કે રિટર્ન્સ ભરવાની અંતિમ તારીખ ૨૦ ઓગસ્ટે વેબસાઇટ ક્રેશ થઈ ગઈ હતી.
GSTમાં એકસાઇઝ ડયુટી, સર્વિસ ટેકસ અને વેટ સહિત બારેક કેન્દ્રીય વેરાઓ તથા રાજયોના કરનો સમાવેશ થાય છે. કરની જે આવક થશે એ કેન્દ્રો અને રાજયો વચ્ચે સમાન ભાગે વહેંચવામાં આવશે. ગયા વર્ષે જુલાઈમાં એકસાઇઝ ડયુટીની ૩૧,૭૮૨ કરોડ રૃપિયાની અને સર્વિસ ટેકસની ૧૯,૬૦૦ કરોડ રૃપિયાની આવક થઈ હતી. ૭૨ લાખ કરદાતાઓએ જૂના ઇનડાયરેકટ ટેકસ માહોલમાંથી GST નેટવર્ક પોર્ટલ પર સ્થળાંતર કર્યું છે. આશરે ૫૦ લાખ કરદાતાઓએ સ્થળાંતરની પ્રક્રિયા પૂરી કરી છે. એ ઉપરાંત ૧૫ લાખ નવાં રજિસ્ટ્રેશન પ્રાપ્ત થયાં છે એમાંથી ૧૦ લાખ કરદાતા જુલાઈનાં રિટર્ન્સ ફાઇલ કરે એવી અપેક્ષા છે. કુલ ૬૦ લાખ બિઝનેસ રિટર્ન ફાઇલ કરી વેરાની ચૂકવણી કરે એવી શકયતા છે એમ અધિકારીએ જણાવ્યું હતું. એ ઉપરાંત જે વ્યકિત નિશ્ચિત મર્યાદામાં વેરાની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહેશે તો તેણે ન ચૂકવાયેલી રકમ પર ૧૮ ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. GSTના અમલ બાદ કસ્ટમ્સ ડયુટી અને આયાતમાંથી GSTની આવક લગભગ બમણી થઈને જુલાઈમાં ૩૦,૦૦૦ કરોડ રૃપિયા થઈ છે. ૨૦૧૬ના જુલાઈમાં ઇનડાયરેકટ વેરાની ૧૬,૦૦૦ કરોડ રૃપિયાની આવક થઈ હતી.