નૈતિકતા, ઈમાનદારી અને મા–બાપના સંસ્કારો હજી મરી પરવાર્યા નથી એ વાત સુરતના સિક્યૉરિટી ગાર્ડના ૧૫ વર્ષના દીકરાએ સાબિત કરી છે. ક્રિકેટ રમતાં મળી આવેલા ૭૦૦ કૅરૅટના ૪૦ લાખ રૂપિયાના હીરાનું પૅકેટ જીવની જેમ બે દિવસ સુધી સાચવી રાખીને બજાર ખૂલતાં એના ઓરિજિનલ માલિકને પાછું આપીને વિશાલ ઉપાધ્યાય ઈમાનદારીનો હીરો બની ગયો છે.
સુરતમાં સિક્યૉરિટી ગાર્ડના ૧૫ વર્ષના દીકરાને ક્રિકેટ રમતી વખતે ૪૦ લાખ રૂપિયાના હીરાનું પૅકેટ મળ્યું, પરંતુ ડાયમન્ડ માર્કેટ બંધ હોવાથી ઘરે લઈ ગયો : કોઈને કહે તો તે લઈ જાય એવા ડરથી કોઈને બતાવ્યા નહીં અને બે દિવસ પોતાની પાસે રાખીને બજાર ખૂલતાં જ અસલ માલિકને પાછું આપ્યું .
૪૦ લાખના હીરા પાછા આપનાર વિશાલ ઉપાધ્યાયનું ગઈ કાલે સુરત ડાયમન્ડ અસોસિએશન દ્વારા ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમ જ તેની ઈમાનદારીને કારણે જેમના હીરાનું પૅકેટ હતું તે મનસુખ સાવલિયાએ ૩૦ હજાર રૂપિયાનું ઇનામ આપ્યું હતું, જ્યારે સુરત ડાયમન્ડ અસોસિએશનના પ્રમુખ બાબુભાઈ ગુજરાતીએ આખા વર્ષની સ્કૂલની ફી ભરવાની જવાબદારી લઈને તેને સન્માન આપ્યું હતું.
વિશાલના પિતા ફૂલચંદ ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ઇનામથી જેટલી ખુશી નથી એનાથી વધુ ખુશી એ વાતની છે કે જેનો માલ હતો તેને સહીસલામત રીતે પાછો કર્યો. ૧૫ ઑગસ્ટે મારા દીકરાને ક્રિકેટ રમતાં હીરાનું પૅકેટ મળ્યું હતું. તેણે ઘરે લાવીને એ મૂકી દીધું. રજાઓને કારણે હીરાબજાર બંધ હોવાથી મારો દીકરો કોઈને આ વાત જણાવવા નહોતો માગતો કે તેને હીરાનું પૅકેટ મળ્યું છે, નહીં તો બીજી કોઈ ખોટી વ્યક્તિ એ લઈ જાય. એટલે બજાર ખૂલે એની રાહ જોઈને બેઠા હતા. દરમ્યાન બજાર ખૂલી ત્યારે અસોસિએશને પણ CCTV કૅમેરાનાં ફુટેજ જોયાં એમાં મારો દીકરો દેખાયો હતો. હું સુરત ડાયમન્ડ અસોસિએશનમાં જ સિક્યૉરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાથી મને બોલાવ્યો ત્યારે મેં કહ્યું કે માલ મારી પાસે છે, પરંતુ જેનો આ માલ છે એ સાચી વ્યક્તિ સામે આવે પછી જ આ હીરા તેને સોંપીશું. જેના આ હીરા હતા તે ભાઈ આવી જતાં મારા દીકરાને બોલાવીને જેમના હીરા હતા તેમને શુક્રવારે હીરાનું પૅકેટ સહીસલામત પરત કર્યું હતું. મારી ફૅમિલીમાં બે દીકરા અને એક દીકરી છે, પણ મેં બધાને ઈમાનદારીના પાઠ ભણાવ્યા છે. હું બહુ કમાતો નથી અને પાર્ટટાઇમ રિક્ષા પણ ચલાવું છું. મારી પત્ની લેડીઝ કપડાં સીવે છે.’
જેને ૪૦ લાખ રૂપિયાના હીરાનું પૅકેટ મળ્યું તે વિશાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને ક્રિકેટ રમતાં આ હીરાનું પૅકેટ મળ્યું હતું. બજાર બંધ હોવાથી હું આ પૅકેટ ઘરે લઈ ગયો હતો. મારાં મમ્મી-પપ્પાએ અમને શીખવાડ્યું છે કે કોઈની વસ્તુ લેવાની નહીં, જમા કરાવી દેવાની. બજાર ખૂલે એની અમે રાહ જોતા હતા.’
સુરત ડાયમન્ડ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને જેમ્સ ઍન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ-ગુજરાતના રીજનલ ચૅરમૅન દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મનસુખભાઈ નામના બ્રોકર હીરા લઈને નીકળ્યા હતા. શર્ટની નીચે ગંજીના ખિસ્સામાં આ હીરાનું પૅકેટ મૂક્યું હતું, પરંતુ ખિસ્સાની ચેઇન ખુલ્લી રહી જતાં પૅકેટ પડી ગયું હતું. આ પૅકેટ વિશાલને મળ્યું હતું. જોકે માર્કેટ બંધ હતું એટલે તેણે પૅકેટ ઘરે મૂકી દીધું હતું. દરમ્યાન CCTV કૅમેરા દ્વારા આ ઘટના ધ્યાન પર આવી હતી અને ફૂલચંદભાઈને બોલાવી પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે પૅકેટ મળ્યું છે, પરંતુ જેમના આ હીરા છે તેમને પાછા આપીશું. છેવટે જેમના હીરા હતા તેમને પાછા મળી ગયા છે. હીરા પાછા આપનાર વિશાલનું અસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.’