સાઉદી અરેબિયાએ તબલીગી જમાત પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ સંગઠનને સમાજ માટે ખતરો અને આતંકવાદનો એક પ્રવેશદ્વાર ગણાવ્યો છે. સાઉદી ઈસ્લામિક બાબતોના મંત્રાલયે મસ્જિદના ઈમામોને આદેશ આપ્યો છે કે તેઓ શુક્રવારની નમાજ માટે આવતા લોકોને તબલીગી જમાતની વાસ્તવિકતા વિશે જણાવે.
સાઉદી અરેબિયામાં ઇસ્લામિક મામલાના મંત્રી ડો.અબ્દુલતીફ અલ શેખે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે મસ્જિદોના ઈમામોને નિર્દેશ આપ્યો કે તેઓ શુક્રવારની નમાજ માટે આવનાર લોકોને જમાતની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરે.
સાઉદી સરકારે મસ્જિદોના મૌલવીઓને સૂચના આપી છે કે તે લોકોને જણાવે કે તબલીગી જમાત કેવી રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, લોકોને ઉંધા રસ્તે ભટકાવી રહી છે. સાઉદી સરકારે સ્પષ્ટપણે તબલીગી જમાતને સમાજ માટે ખતરો ગણાવ્યો છે અને તબલીગી જમાતને આતંકવાદના દરવાજામાંથી એક ગણાવી છે. સાઉદી અરેબિયાના આ કડક પગલા પછી, ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી તબલીગી જમાતીઓએ તેમનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે.

સાઉદી અરેબિયાની સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા પૂણેમાં તબલીગી જમાતના નેતા મુફ્તી અકબર હાશ્મીએ કહ્યું કે સાઉદી સરકાર તબલીગી જમાતથી ડરે છે કારણ કે તાલિબાને અફઘાનિસ્તાનમાં ફરી પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે અને તેમનું શાસન સ્થાપિત થઈ ગયું છે.
હાશ્મીએ કહ્યું કે તાલિબાને જાહેર કર્યું છે કે તેઓ દેવબંદી મુસ્લિમ સમુદાયના છે અને તેમનું વિઝન ઇસ્લામનું પાલન કરવાનું છે. હાશ્મીએ કહ્યું કે સાઉદી સરકારને ડર છે કે આ જૂથ સાથે જોડાયેલા લોકો પણ તેમના ત્યાં પણ છે. તેવામાં તે લોકો પણ તેમની સરકારનો વિરોધ કરવાનું શરૂ કરી શકે છે.