દક્ષિણ ગુજરાતના બિલ્ડર દશરથ રબારીના ભાઈ હિતેશે હિન્દી ફિલ્મોમાં ભાઈબંધીને કારણે અઢળક રૂપિયાનું ફાઇનૅન્સ કર્યું હતું, પણ તેણે આત્મહત્યા કરી લેતાં હવે એ ફન્ડ કાયમ માટે અટવાઈ ગયું છે
શનિવારે રાતે સુરત પાસે આવેલા મટવાડ ગામના ૩૦૦ વીઘામાં પથરાયેલા ફાર્મહાઉસમાં પોતાની રિવૉલ્વરથી સુસાઇડ કરી લેનારા હિતેશ રબારીને સલમાન ખાનથી માંડીને અનેક ફિલ્મસ્ટાર્સ સાથે ખૂબ જ અંગત ભાઈબંધી હતી. આ ભાઈબંધીને લીધે હિતેશે અનેક ફિલ્મસ્ટાર્સને અંગત રીતે ફાઇનૅન્સ પણ કર્યું હતું, જે આંકડો બસ્સો કરોડથી પણ મોટો છે.
દક્ષિણ ગુજરાતના જાણીતા બિલ્ડર દશરથ રબારીના નાના ભાઈ હિતેશે અણધારી રીતે સુસાઇડ કરી લેતાં હવે આ બસ્સો કરોડથી પણ મોટીએવી રકમ કાયમ માટે અટવાઈ ગઈ છે. હિતેશ વીકમાં ત્રણથી ચાર દિવસ મુંબઈમાં જ રહેતો અને આ ફિલ્મસ્ટાર્સ સાથે જ ફરતો. હિતેશના બધા શોખ રજવાડી હતા. તેણે પોતાના ફાર્મહાઉસ પર ૪૫થી વધારે ઘોડા એવા રાખ્યા હતા જેની કિંમત આઠેક કરોડ રૂપિયા જેવી થાય છે. લમ્બોર્ગિની અને પૉર્શે જેવી કાર ધરાવતા હિતેશે ‘ધૂમ’માં જૉન એબ્રાહમ જે બાઇક વાપરતો હતો એ બાઇક ખરીદી હતી.
હિતેશના ફાર્મહાઉસ પર અનેક ઍક્ટર્સ અને ઍક્ટ્રેસ આવી ગયાં છે અને વેકેશન કરી ગયાં છે. હિતેશે શું કામ સુસાઇડ કર્યું એ હજી પણ અકળ છે. પોલીસ એની તપાસ કરી રહી છે પણ કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. સગા દીકરાથી પણ વિશેષ સંબંધો રાખનારા હિતેશના મોટા ભાઈ દશરથ રબારીએ હિતેશને ક્યારેય કામ કરવા નહોતું દીધું. તે ઇચ્છતા હતા કે હિતેશ આખી જિંદગી મોજમસ્તી સાથે જ જીવે.