સુરતની કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ થયેલા માનહાની કેસમાં દોષિત ઠેરવ્યા છે. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા પણ ફટકારી છે. જો કે, આ ચુકાદા બાદ રાહુલ ગાંધી સોમવારે એટલે કે સજાના નિર્ણયના લગભગ 11 દિવસ પછી તેમના નિષ્ણાત વકીલોની ટીમ સાથે સુરત આવ્યા હતા. સુરત અરપોર્ટ પર રાહુલ ગાંધી સૌ પ્રથમ રાજસ્થાનના સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોતને મળ્યા હતા. ત્યારબાદ તેઓ સુરતની સેસન્સ કોર્ટ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ હતા. કોર્ટમાં માનહાનિ મામલે મળેલી સજાને રાહુલ ગાંધીએ પડકારી હતી.
આગામી સુનાવણી 13 એપ્રીલે હાથ ધરાશે
જણાવી દઈએ કે, ગત 23 માર્ચે સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરેશ વર્માની કોર્ટે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવી બે વર્ષની કેદની સજા ફટકારી હતી. જો કે, કોર્ટે તેમને જામીન પણ આપી દીધા હતા. પરંતુ, સજાના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થયું હતું. ત્યારે સોમવારે આ હુકમથી નારાજ થઈને તેની કાયદેસરતાને પડકારતી અપીલ દાખલ કરાઈ હતી, જેની સુનાવણી હાથ ધરી કોર્ટ દ્વારા સજા પર સ્ટે રાખવાની સુનાવણી 13 એપ્રીલે નિર્ધારિત કરાઈ છે. આ કેસના સામેના પક્ષકારો, ફરિયાદી તથા સરકારી વકીલને નોટીસ ઈસ્યૂ કરી વધુ સુનાવણી 3 મે સુધી મોકૂફ રખાઈ છે.
https://twitter.com/RahulGandhi/status/1642839742688690178
અરજી કર્યા બાદ રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
જોકે, સુરતની કોર્ટમાં આ અરજી દાખલ કર્યા બાદ રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક ટ્વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ આ ટ્વીટમાં લખ્યું કે,‘આ મિત્રકાલ વિરૂધ, લોકતંત્રને બચાવવાની લડાઈ છે, આ સંઘર્ષમાં સત્ય મારું અસ્ત્ર છે અને સત્ય જ મારો આશરો’. જણાવી દઈએ કે આજે રાહુલ ગાંધી સુરત આવવાના હોવાથી રાજ્યભરમાંથી કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સુરત પહોંચ્યા હતા. સુરતમાં ઠેર ઠેર રાહુલ ગાંધીના સમર્થનમાં પોસ્ટર લાગ્યા હતા. આ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.