મુંબઇઃ ભારતીય શેરબજારમાં સળંગ બીજા દિવસે સુધારાની ચાલ યથાવત્ રહી હતી. જેને પગલે સેન્સેક્સ ફરી 50,000ના મહત્વપૂર્ણ લેવલની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો છે. આમ ભારતીય શેરબજાર માટે આજે મંગળવારનો દિવસ મંગલમયી રહ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરના વિકાસદરના પ્રોત્સાહક આંકડા અને ફેબ્રુઆરીમાં જીએસટી ક્લેક્શન 1 લાખ કરોડ રૂપિયાની ઉપર રહેતા માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યુ છે.
આજે સેન્સેક્સ 447 પોઇન્ટની આગેકૂચમાં 50,000ના લેવલને વટાવી અંતે 50,297ના સ્તરે બંધ થયો હતો. સેશન દરમિયાન સેન્સેક્સે 50,439ની ઊંચી સપાટીને ટેસ્ટ કરી હતી. નિફ્ટી ઇન્ટ્રા-ડે 14,959ની ઉંચી સપાટીને સ્પર્શી સેશનના અંતે 157 પોઇન્ટના સુધારમાં 14919ના મથાળે બંધ થયો હતો. આ દિવસમાં સેન્સેક્સમાં 1197 પોઇન્ટ વધ્યો થયો છે.
આજે સેન્સેક્સના 30માંથી 24 બ્લુચિપ સ્ટોક વધ્યા હતા. તો બેન્ચમાર્ક નિફ્ટી-50ના 50માંથી 47 શેર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. આજે શેરબજારના તમામ ઇન્ડાઇસિસ વધીને બંધ રહેતા સાર્વત્રિક સુધારાનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ઓટો ઇન્ડેક્સ સૌથી વધુ 3.2 ટકા વધ્યો હતો. શેરબજારમાં રિકવરીથી બીએસઇની માર્કેટકેપ પણ વધી રહી છે. બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન આજે 2.77 લાખ કરોડ રૂપિયા વધીને 206.53 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આજે બીએસઇની માર્કેટબ્રેડ્થ પોઝિટિવ હતી કારણ કે લિસ્ટેડ 1852 કંપનીઓના શેર વધ્યા હતા જ્યારે 1156 શેર રેડ ઝોનમાં બંધ થયા હતા.