નવી દિલ્હીઃ ભારતીય બજારમાં સોનાના ભાવમાં સતત પાંચમાં દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે ગુરુવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 109 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ દીઠ 48,183 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યા હતા. તો ચાંદીનો ભાવ 146 રૂપિયા ઘટીને પ્રતિ એક કિગ્રા દીઠ 65,177 રૂપિયા થયો હતો. નોંધનિય છે કે ગત બુધવારે દિલ્હીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 48,292 રૂપિયા અને ચાંદીનો ભાવ 65,177 રૂપિયા પ્રતિ એક કિલોગ્રામ હતો.
વૈશ્વિક બજારમાં આજે સોનું 6 ડોલરની નરમાઇમાં 1845 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદીનો ભાવ સાધારણ ઘટીને 25.39 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ હતો. અલબત્ત ટકાવારીની રીતે સોના કરતા ચાંદી વધુ ઘટી હતી.
આજે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા વર્ષ 2020માં સોનાની માંગના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2020 દરમિયાન ભારતમાં સોનાની માંગ સોનાની માંગ ધરખમ 35 ટકા ઘટીને 446 ટન નોંધાઇ છે જે છેલ્લાં 26 વર્ષની સૌથી ઓછી માંગ છે અને વર્ષ 1995માં ગોલ્ડ ડિમાન્ડ 462 ટન હતી. તો ગત વર્ષ 2019માં ભારતમાં સોનાની માંગ 690.4 ટન હતી. કોરોના સંકટ, લોકડાઉન ઉપરાંત આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં પીળી કિંમતી ધાતુના ભાવ આસમાને પહોંચવાની સાથે-સાથે લોકોની આવક ઘટવાથી પણ ભારતમાં સોનાની માંગ નોંધપાત્ર ઘટી છે. અર્થવ્યવસ્થા ફરી પાટે ચઢતા સોનાની માંગમાં સુધારો જોવા મળશે.